ગાંધીનગર: ઇસ્ટ આફ્રિકાથી કલોલ પોતાના વતન આવેલા ૩૧ વર્ષીય યુવાનને શરદીની બીમારી થતાં કોરોનાનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. આથી યુવાનને ૧૧ માર્ચે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ યુવાનના સેમ્પલ લઇને પૂણે લેબોરેટરીમાં મોકલાયા છે. આ યુવકમાં કોરોનાનો આફ્રિકન સ્ટ્રેન હોવાની આશંકા તબીબી વર્તુળોએ દર્શાવી છે.
કલોલનો આ ૩૧ વર્ષીય યુવાન બીજી માર્ચે ઇસ્ટ આફિક્રાથી કલોલ આવ્યો હતો. વતનમાં આવ્યા બાદ તેના સગાઓની સાથે મુલાકાત કર્યા બાદ ક્વોરેન્ટાઇન રહ્યો હતો. જોકે પાંચ દિવસ બાદ શરદીની સાથે તાવની બીમારી જોવા મળતાં તેનો કોવિડ ટેસ્ટ કરાવાતા પોઝિટિવ આવ્યો હતો. અહેવાલ અનુસાર ઇસ્ટ આફ્રિકાથી આવેલો આ યુવાન તેના સગાઓ તેમજ આસપાસની સાત જેટલી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો હતો. આમ હવે તેના સંપર્કમાં આવનારાઓનું તબીબી સુપરવીઝન શરૂ કરાયું છે.
જિલ્લા આરોગ્ય તંત્રના ઇન્ચાર્જ ડો. ધર્મેશ પરીખના જણાવ્યા પ્રમાણે, તમામ ૭ વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરીને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા દેખરેખ રાખીને જરૂરી દવા તેમજ સારવાર કરવામાં આવી રહી છે.
યુકેથી આવેલા પરિવારનો રિપોર્ટ બાકી
આ દરમિયાન યુકેથી બાળક સાથે આવેલો પરિવાર પણ સંક્રમિત થતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડમાં તેમની સારવાર શરૂ કરાઇ છે.
આ પરિવારમાં જોવા મળેલા કોરોનાના સ્ટ્રેઇનની તપાસના સેમ્પલ પૂણે મોકલાયા છે. આ વાતને મહિના જેટલો સમય થવા છતાં હજુ સુધી રિપોર્ટ આવ્યો નહી હોવાનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સૂત્રોનું કહેવું છે.