કલોલઃ કલોલના પૂર્વ વિસ્તારમાં ૨૩મી ફેબ્રુઆરીએ નટ સમાજ અને દલિત સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ટોળું ધોકા જેવા હથિયાર ધારણ કરી દોડી આવતા સામસામે પથ્થરમારો થયો હતો. બંને જૂથો થયેલા પથ્થરમારામાં ઘણા નિર્દોષ લોકોના પણ માથા ફૂટ્યા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતાં કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં તો તોફાનીઓએ ચાર જેટલા વાહનોને આગ ચાંપી દીધી હતી. બંને જૂથોના ટોળા એટલી હદે વધી ગયા હતા કે પોલીસે ૨૦થી પણ વધુ ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. જોકે, પરિસ્થિતિ કાબૂમાં આવી નહોતી જેથી પોલીસે ભારે લાઠીચાર્જ પણ કર્યો હતો.