સિદ્ધપુર: સિદ્ધપુરના કાત્યોકના મેળામાં શનિવારે કાર્તિકી એકમના રોજ દોઢ લાખ જેટલા શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું હતું. તો બીજી તરફ અહીં ભરાતા ઘોડા અને ઊંટ બજારમાં વિવિધ જાતના ઘોડા અને ઊંટની લે-વેચ પણ જામી છે. રાત્રિ દરમિયાન વિવિધ રાઈડ્સ પર અવનવી રોશનીથી મેળો સોળે કળાયે ખીલી ઉઠ્યો છે. સાત દિવસનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો આવતા શનિવારે પુરો થશે. પૂનમની રાત્રે શહેરીજનો મેળામાં ઉમટી પડયાં હતા. દરરોજ સરેરાશ દોઢથી બે લાખ લોકો મેળાની મુલાકાત લઇ રહ્યા છે.
મેળામાં 1.5 લાખથી રૂ. 10 લાખના ઘોડા વેચાયા
કાર્તિકી પૂર્ણિમાના મેળામાં સરસ્વતી નદીના કાંઠે ઘોડાઓની લે-વેચ માટેનું બજાર ભરાયું હતું. જેમાં લુકરા, મારવાડી, કાઠિયાવાડી સહિતની નસ્લના ઘોડાઓ લે-વેચ માટે આવ્યા છે. મેળામાં દોઢ લાખથી માંડીને રૂ. 10 લાખ સુધીના ઘોડાનું વેચાણ થયું હોવાનું વેપારી નારાયણપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું.
1500થી વધુ ઊંટ સાથે વેપારીઓના પડાવ
સાત દિવસના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ભરાયેલા ઊંટ બજારમાં મોટા પાયે ઊંટની પણ લે-વેચ થાય છે. મેળામાં આ વર્ષે 1500થી વધુ ઊંટ વેચાણ અર્થે આવ્યા છે. મુખ્યત્વે રાજસ્થાનના બાડમેર, જાલોર, સાંચોર સહિત ઉત્તર ગુજરાતના વિવિધ ગામોમાંથી વેપારી
ઊંટ લઈને આવ્યા છે. રાજસ્થાન તેમજ ગુજરાતના ઊંટના વેપારીઓએ રૂ. 20 હજારથી 1 લાખની કિંમતના ઊંટની લે-વેચ કરી હોવાનું જણાવ્યું હતું.