મહેસાણા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ ભાજપ-કોંગ્રેસના રાજકીય ગરમાવામાં ઓડિયો ક્લિપની વોર એ ભારે વિવાદ સર્જ્યો છે. ભાજપમાં પ્રવેશ મેળવ્યા પછી ઉત્તર ગુજરાત પાસ કન્વીનરને પાસના પૂર્વ કન્વીનર અને ભાજપના વરુણ પટેલે નેતાઓની હાજરીમાં કરોડની ઓફર કરી હોવાની વાયરલ ઓડિયો અને કોર્ટ ફરિયાદ તાજી છે ત્યાં વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં કોંગ્રેસના નેતાઓએ પાસને મદદ કર્યાના ઉલ્લેખથી ભાજપ-કોંગ્રેસ આમને સામને આવી ગયા છે.
આ ઓડિયો ક્લિપમાં ખાસ કરીને પાસના કોઇ અજ્ઞાત વ્યક્તિ સાથે વાત થઇ રહી હોવાનું અને આ વાત પણ નરેન્દ્ર પટેલ કરી રહ્યા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસ તરફથી પાસને ૧૦ લાખ રૂપિયા મળ્યા હોવાનું અને આ રકમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી અહેમદ પટેલના કહેવાથી મહેસાણાના પૂર્વ સાંસદ જીવાભાઇએ આપ્યા હોવાનું જણાવાય છે.
એટલું જ નહીં આ મામલે પાસના એ અજ્ઞાત વ્યક્તિને ઓડિયોમાં એવું પણ કહેવામાં આવે છે કે જીવાભાઇએ જે આપ્યા હોય તો એ રકમ મળી નથી તો તે કોણ લઇ ગયું? તે માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીને પણ મળવા ગયાનું જણાવવામાં આવે છે. સાથે સમગ્ર ઓડિયો ક્લિપમાં મહેસાણા કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિર્તિસિંહ ઝાલા, ભાવેશ પટેલ આ તમામના નામોનો ઉલ્લેખ કરાતાં ખાસ કરીને ભાજપ આ મામલામાં મેદાનમાં આવ્યું છે.
કથિત ટેપની વાતચીત
પાસના કન્વીનર નરેન્દ્ર પટેલની બહાર આવેલી કથિત ઓડિયો ક્લિપમાં હાર્દિક પટેલ, મહેસાણા કોંગ્રેસના નેતા ભાવેશ પટેલ, અશોક પટેલ અને જીવાભાઇના નામનો ઉલ્લેખ છે. જેમાં આંદોલનમાં કોંગ્રેસના પૈસાથી કાર્યક્રમ કરાતા હતા પરંતુ સમાજમાં ખરાબ અસર ન પહોંચે એ માટે અશોક પટેલના નામે ખર્ચો કરવામાં આવતો હોવાનો ઉલ્લેખ પણ થયો છે. સાથે સાથે કોંગ્રેસ શાસિત એવા મહેસાણા જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી ૨૫ લાખ રૂપિયા અપાયાની વાત પણ કરવામાં આવી છે.
જોકે આ પૈસા નરેન્દ્ર પટેલના નામે લાલીયો, વિપુલીયો અને મહેશ જૈકુ લઇ ગયાનું કહેવાય છે. તો છેલ્લે મહેસાણાના માજી સાંસદ જીવાભાઇ પટેલ આંદોલનકારી છોકરાઓનું ધ્યાન રાખતા હોવાનું તથા એમને ફંડિંગ આપતા હોવાની વાત પણ સ્પષ્ટ રીતે સંભળાઈ રહી છે.