અમીરગઢઃ બનાસકાંઠાના અમીરગઢમાં આવેલા ખાટા સિતરા ગામમાં પહાડો અને જંગલોના લીધે આવાગમન માટે પથરાળ પગદંડી હતી. મુખ્ય માર્ગ અને ગામ વચ્ચે માત્ર ૪ કિમીનું અંતર છે. સારા રસ્તાના અભાવે અત્યાર સુધી આ ગામ ૧૦૮ની સેવાથી પણ વંચિત હતું. ગામ લોકો તરફથી સરકારી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તો બાંધવામાં આવતો ન હતો. આથી ગામમાં ૫ વર્ષથી ગ્રામશિલ્પી તરીકે સેવા કરતા મુસ્તુ ખાને પત્ની સાથે મળીને રસ્તો ખોદવાની શરૂઆત કરી.
ધીમે ધીમે ગામના યુવાનો મુસ્તુ સાથે જોડાયા. અંતે રસ્તો તૈયાર કરવા માટે ૫૮ લોકોની એક ટીમ તૈયાર થઇ. મોટા મોટા પહાડોના પથ્થર તોડીને આ રસ્તો તૈયાર કરવામાં ૪ મહિના કરતાં પણ ઓછો સમય લાગ્યો હતો. અંતે પહાડોને ચીરતો ૪ કિમીનો કાચો રસ્તો તૈયાર થયો અને આ ગામ મુખ્ય રસ્તો સાથે જોડાયું હતું. નવાઇની વાત એ છે કે રસ્તાના અભાવે અત્યાર સુધી એક પણ સરકારી કર્મચારીએ આ ગામની મુલાકાત લીધી ન હતી.
આ અંગે મુસ્તુ ખાન સુખ કહે છે કે, પહાડો અને જંગલ ધરાવતા આ વિસ્તારમાં ગામલોકોએ નાના મોટા પહાડો ખોદીને ૪ કિમી અંતરનો રસ્તો તૈયાર કર્યો હતો. દેશને આઝાદીના દાયકાઓ વીતી ગયા પછી ખાટા સિતરા ગામના લોકોને રસ્તો મળ્યો છે.
ખાટા સિતરા ગામની વસ્તી ૭૪૦ લોકોની છે. અહીં ૧૨૩ આદિવાસી પરિવારો રહે છે. ગામને જોડતો રસ્તો ન હોવાના કારણે અત્યાર સુધી આરોગ્ય, શિક્ષણ અને રોજગાર જેવી સુવિધાઓથી આ ગામ વંચિત રહી ગયું હતું. મહિલાઓ, બાળકો કે વૃદ્ધોને ગંભીર બીમારીના કારણે તાત્કાલિક સારવારની જરૂર પડે ત્યારે ગામના માણસોએ તેમને ઊંચકીને ૪ કિમી દૂર આવેલા મુખ્ય માર્ગ સુધી લઇ જતા હતા. ત્યાર બાદ કોઇ વાહનમાં તેને દવાખાના સુધી તાલુકા સ્થળ અમીરગઢ સુધી પહોચાડવામાં આવતું હતું.
આવી જ રીતે તેવી જ રીતે બાળકોને શિક્ષણ માટે ચાલતા જવું પડતું હતું. આમ ગામ લોકોએ સરકારની આશા રાખ્યા વગરે જાત મહેનતથી કોદાળી પાવડા અને કોશ જેવા ટાંચા પરંપરાગત સાધનોનો ઉપયોગ કરીને રસ્તો તૈયાર કર્યો છે.