બહુચરાજીઃ તાલુકાના અંબાલા ગામના સામાન્ય ખેડૂત પરિવારની પુત્રી અને કડીના મેઘના કેમ્પસમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતી પૂજા ઘનશ્યામભાઈ પટેલને ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં હાજરી આપવા વિશેષ આમંત્રણ મળ્યું હતું, તેમ પિતા ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું. પૂજા અગાઉ કડીથી દિલ્હી પહોંચી હતી. નવી દિલ્હીના કાર્યક્રમ પછી ૨૪ જૂને ચીનના બીજિંગ ખાતે યોજાનાર વર્લ્ડ યોગા ચેમ્પિયનશિપમાં ભારત વતી ભાગ લેશે.
રબરની જેમ વળીને વિવિધ યોગમુદ્રા રજૂ કરવામાં પારંગત પૂજા કહે છે કે, મારા પિતાએ ટીવી પર આવતા બાબા રામદેવના યોગ કાર્યક્રમ જોઈને મને પણ યોગ શીખવ્યા હતા. જ્યારે હું ૧૦ વર્ષની હતી ત્યારથી યોગ શીખું છું. તેમણે મને પ્રાણાયામ અને બીજા અનેક આસનો શીખવ્યા છે, પછીથી મારો આ નિત્યક્રમ બની ગયો છે. રોજ સવારે ચાર વાગે ઉઠી જતી અને શાળાએ જતાં પહેલા સાત વાગ્યા સુધી યોગ શીખતી પૂજા શાળાએથી છૂટ્યા પછી પણ યોગ કરે છે. તે રોજ સરેરાશ છ કલાક યોગની પ્રેક્ટીસ કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોગ કરવાની તક મળી તેનાથી હું ખૂબ ખુશ છું.
ઉલ્લેખનીય છે કે, પૂજા ગત વર્ષે ૧૯થી ૨૧ સપ્ટેમ્બર દરમિયાન ચીનના શાંઘાઈમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં વિશ્વભરમાંથી આવેલા ૩૦૦ સ્પર્ધકોને હંફાવી પ્રથમ વિજેતા બની ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.