અંબાજીઃ ગબ્બર પર્વત પરથી મહાકાય પથ્થર શીલા અચાનક ગત સપ્તાહે રાત્રે ગબડી પડ્યો હતો. આ શીલા તૂટી પડતાંની સાથે જ જોરદાર ધડાકો થતાં આજુબાજુના દુકાનદારો ફફડી ઉઠયા હતા. જોકે રાત્રે શીલા પડતાં કોઈ મોટી જાનહાનિ થઇ નથી. ગબ્બર પર છેલ્લા ચાર-પાંચ વર્ષથી લટકેલી પથ્થરની શીલાને પથ્થરો સાથે બાંધવામાં પણ આવી હતી, પરંતુ શીલાને દોરડાના બંધનો પણ ટકી શક્યા ન હતા. આ ઘટના પાછળ શું કારણ હોઈ શકે તે ચર્ચાનો વિષય બન્યો છે.
માતાજીના મૂળ સ્થાન ગબ્બર પર જ્યાં તેમના સ્થાનક છે તેવા ઐતિહાસિક અને પૌરાણિક ધરોહર સમા આ સ્થળે જવા-આવવા રોપ-વે સુવિધા છે. આ ઉપરાંત ગબ્બર ફરતે ૫૧ શક્તિપીઠનું નિર્માણ થયું છે. આમ પ્રાચીમ સમયનો ગબ્બરગઢ તેની પ્રાચીન ઓળખ ગુમાવી રહ્યો છે અને માનવસર્જિત ચેડાથી ગબ્બર ગઢની શીલાઓ ખસી રહી હોવાની ભક્તો માની રહ્યા છે. જોકે, આ અંગે અંબાજી મંદિરના બાંધકામ વિભાગના એન્જિનિયર જી.એલ. પટેલ જણાવ્યું હતું કે, ઘટનાના ચાર-પાંચ દિવસ પૂર્વે પાંચ ઈંચ પડેલા વરસાદના કારણે પથ્થરોની ભેખડ ધસી હોવી જોઈએ. આ અંગે ભૂસ્તર વિભાગની તપાસ બાદ જ સાચું કારણ જાણવા મળશે. આ ઉપરાંત આ વિસ્તારની જમીનમાં હલચલ નોંધાઇ છે, છેલ્લા કેટલાક દિવસથી ધરતીકંપના એકદમ હળવા આંચકા પણ અહીં નોંધાયા છે.