ગાંધીનગરઃ પાટનગરની જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે નવા સીમાંકન અંગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૧૦ જૂને પ્રાથમિક આદેશો જારી થતાં જ જિલ્લાના રાજકીય સમીકરણોમાં ભારે પરિવર્તન જોવા મળે છે.
જિલ્લા પંચાયતની વર્તમાન ૨૭ બેઠકોને બદલે નવા સીમાંકનમાં ૩૦ બેઠકો બની છે. જેમાં ૬ જેટલી બેઠકો એકબીજા સાથે ભેળવવામાં આવી છે. તો છ બેઠકોના નામ બદલાયા છે. વળી લીંબોદરા, અમરાજીના મુવાડા અને ઝુંડાલની બેઠકો નવી બની છે. ગાંધીનગર જિલ્લા પંચાયતના નવા સીમાંકનમાં ૨૦૧૧ની વસ્તી ૯,૭૮,૮૧૩ નોંધાઈ છે તેથી સરેરાશ પંચાયતની બેઠક માટે ૩૨,૬૨૭ વસ્તી નિયત કરાઈ છે. જિલ્લામાં સૌથી મોટો વિસ્તાર પૂર્વ પ્રમુખ મંગીબેન પટેલનો છે. જ્યાં નોંધાયેલ વસ્તી ૪૦૭૦૨ છે. જ્યારે સૌથી ઓછી વસ્તી ૨૬,૩૮૪ છે. જે માણસાની ચરાડા બેઠક છે.
પંચાયતના નવા સીમાંકનમાં જે બેઠકોમાં પરિવર્તન આવ્યું છે તેમાં વલાદ, શિહોલી મોટી, છત્રાલ, નારદીપુર, પુંધરા અને અડાલજ અમરાજીના મુવાડા, બિલોદરા, બોરીસણા, પાનસર અને કુડાસણનો સમાવેશ થાય છે. નવા સીમાકનમાં ૧૯ બેઠકો યથાવત રખાઈ છે. પોર બેઠકનું નવું નામ કુડાસણ રખાયું છે. એજ પ્રમાણ માણસા તાલુકામાં નવું ભળેલુ લીંબોદરા ગામને પંચાયતની બેઠક મળી છે.
કલોલ તાલુકામાં છત્રાલ બેઠકને બદલે બોરીસણા બેઠક, માણસામાં બિલોદરા, ગાંધીનગરમાં ચિલોડા(ડ), ચિલોડા (ન) દહેગામમાં હરખજીના મુવાડા, કલોલમાં પાનસર, ગાંધીનગરમાં વાવોલ, ઝુંડાલ જેવી નવી બેઠકો બની છે.