મહેસાણાઃ શ્રીનગરમાં બીએસએફ કેમ્પ પર તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં જવાન જીતુભાઇ માધવલાલ રાવલને ગોળી વાગતાં તેઓ શહીદ થયા હતા. જીતુભાઇનો મૃતદેહ વિમાન માર્ગે શ્રીનગરથી અમદાવાદ અને ત્યાંથી ૧૨મી ઓક્ટોબરે વહેલી સવારે વતન મઢાસણ લાવવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લામાં આવેલા નાનકડા ગામ મઢાસણમાં શહીદ જવાનના અંતિમ દર્શન માટે ઊમટી પડ્યા હતા. ‘શહીદ વીર અમર રહો’ના નારાઓ સાથે જીતુભાઈની અંતિમયાત્રામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને આજુબાજુના ગામના લોકો જોડાયા હતા. ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદને અંતિમ સલામી અપાઈ હતી.