હિંમતનગરઃ વિશ્વમાં કોઇપણ સામાન્ય માનવીના હાથપગમાં કુલ ૨૦ આંગળી-અંગૂઠા હોય છે. પરંતુ ગુજરાતમાં એક એવા વ્યક્તિ છે જે કુલ ૨૮ આંગળી-અંગુઠા ધરાવે છે. સાબરકાંઠાના ગાંભોઈ ગામમાં મિસ્ત્રીકામ કરતા દેવેન્દ્રભાઇ સુથાર વિશિષ્ટ અંગ ધરાવે છે. દેવેન્દ્રભાઈનો દાવો છે કે, વિશ્વમાં પોતે સૌથી વધુ આંગળીઓ ધરાવે છે, જેને ગિનેસ બુકે માન્ય રાખીને જગતમાં સૌથી વધુ આંગળીઓ સાથે જીવતી વ્યક્તિનો રેકોર્ડ સ્વીકાર્યો હતો. દેવેન્દ્રભાઈ કહે છે, ‘નાનો હતો ત્યારે આટલી બધી આંગળીઓના કારણે હું બીજા લોકો મશ્કરી કરતા હતા એટલે બહુ ગમતું નહીં, પણ પછી તો આદત પડી એટલે લોકોની નજરને સહન કરવાની શક્તિ આવી ગઈ છે. આજે જ્યારે આ રેકોર્ડ થયો છે ત્યારે આ ખોડ હવે વરદાન જેવી લાગે છે.
આંગળીઓ વધારે હોવાના કારણે દેવેન્દ્રભાઈના હાથ અને પગના પંજા પણ સામાન્ય લોકોના હાથ અને પગના પંજા કરતાં મોટા છે. દેવેન્દ્રભાઈનો હાથનો પંજો સાડા ચાર ઇંચનો છે, જ્યારે પગનો પંજો તો સાત ઇંચનો છે. આવા પંજાના કારણે દેવેન્દ્રભાઈએ ચંપલ ખાસ ઓર્ડર આપીને બનાવડાવવા પડે છે.’