અમદાવાદ: ગુજરાતમાંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા ઈચ્છતા- ઈમીગ્રેશન મેળવવા માગતી વ્યક્તિઓ માટે મેક્સિકોનું કેનકુનસિટીમાં ગુપ્ત આશ્રાય સ્થાન - ઘરથી દૂર કામચલાઉ ઘર બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરવાનું અને સ્થાયી બનવાનું સ્વપ્ન સેવતા ગુજરાતીઓને સલામત રીતે અમેરિકામાં પ્રવેશ કરે ત્યાં સુધી આવા લોકો માટે આ કામચલાઉ આશ્રાય સ્થાનમાં ખાવા- પીવા, રહેવાની વ્યવસ્થા અને જો બિમાર પડે તો સારવાર- હેલ્થ કેરની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા- સ્થળાંતર કરવા માગતા લોકો માટે દિલ્હીના બે વ્યક્તિઓએ કેનકુન સિટીમાં હોટલ જેવા રૂમ, સારી રેસ્ટોરેન્ટ અને હોસ્પિટલ સહિતની સુવિધા ઉભી કરી છે. આ બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ હોટલની માલિક છે અને બીજો વ્યક્તિ મેક્સિકોમાં મહત્વના અને વગદાર હોદ્દા પર કામકાજ કરે છે અને આ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ સંબંધિત સુવિધાઓ પૂરી પાડે છે. આ લોકોએ ગુજરાતમાંથી માનવ તસ્કરી- દાણચોરો માટે કામકાજ કરવા મહેસાણા અને ગાંધીનગરના 8થી 10 લોકોને તૈનાત કર્યા છે. આ પ્રકારે હ્યુમન સ્મગલર્સની મદદથી ઉત્તર ગુજરાતના ઘણાં લોકો હજુયે સરહદ ઓળંગીને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરે છે. દિલ્હીના બે વ્યક્તિઓ પૈકી પાબ્લોસિંગ નામના વ્યક્તિએ રેસ્ટોરેન્ટ બનાવી છે અને હોસ્પિટલ તેમજ હોટલ બનાવી છે અને ગેરકાયદે પ્રવેશવા ઈચ્છતા લોકોને તે ભાડેથી રૂમ આપે છે. આ પ્રકારે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા માંગતા લોકોને તમામ સુવિધા અપાય છે, પરંતુ તેમને આશ્રાયસ્થાનમાંથી બહાર જવાની કે મેક્સિકોના રહીશો સાથે વાતચીત સુદ્ધાં કરવા દેવામાં આવતી નથી. કેનકુનસિટીમાં આવેલો આ વિસ્તાર અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ- સ્થળાંતર કરનારા માટે 'ટ્રાન્ઝીટ પોઈન્ટક્ર ગણાય છે.
બોગસ IELTS સર્ટિ.થી અમેરિકા જનારા 7 પકડાયા
બોગસ IELTS સર્ટિફિકેટને આધારે અમેરિકામાં પ્રવેશ કરતા મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના વધુ સાત યુવકને યુએસ ઈમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે મંગળવારે ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા યુવાનો મહેસાણા અને દિલ્હીના એજન્ટો મારફતે કેનેડા ગયા હતા. અંગ્રેજી આવડતું ન હોવા છતાં IELTSની પરીક્ષામાં આઠ બેન્ડ સાથે અમેરિકા પહોંચી ગયેલા મહેસાણા જિલ્લાના ચાર યુવકે IELTS પરીક્ષામાં કેવી રીતે 8 બેન્ડ મેળવ્યા તેની તપાસ મહેસાણા એસઓજી કરી રહી છે જ્યારે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયેલા અને ત્યાંથી ક્યુબિકના રૂટથી ન્યૂ યોર્કમાં ઘૂસી રહેલા મહેસાણા, ગાંધીનગરના સાત યુવાનને યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ડ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે ઝડપી પાડ્યા હતા.