પાટડી: ઉત્તર ગુજરાતમાં રવિવારે વહેલી સવારે સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે પરિવારના સાત સભ્ય જીવતા ભડથું થઇ ગયા હતા. પાટણ વારાહી ગામે રહેતા વાળંદ સમાજના સાળો-બનેવી સહિતના પરિવારજનો સારંગપુર, સોમનાથ, વિરપુર અને ચોટીલા સહિતના મંદિરોમાં દર્શન કરીને કારમાં પરત વારાહી આવી રહ્યા હતા. ત્યારે પાટડી તાલુકાના ખેરવા અને માલવણ વચ્ચે વળાંકમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર સાથે અથડાયા બાદ કારમાં આગ ફાટી નીકળતાં લાગતા તમામ ૭ પ્રવાસી જીવતા ભડથું થઇ ગયા હતા.
પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે તે પ્રમાણે ગાડી ચલાવનારે ૪ દિવસમાં ૧૫૫૦ કિમીનું ડ્રાઈવીંગ કર્યું હતું પરિણામે તેને ઝોકું આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો.
મળતી વિગતો અનુસાર, બજાણા પોલીસ સ્ટેશનની હદમાં શનિવારે સવારે સાડાપાંચ વાગ્યાના અરસામાં માલવણ-ખેરવા પર ઈકો કાર ઘરે પરત ફરતી વેળા ડમ્પર સાથે ધડાકાભેર ટકરાઇને ખાડામાં ઊતરી ગઈ હતી. આ પછી કારમાં આગ ભભૂકી ઊઠી હતી અને કારમાંથી બેસેલા ડ્રાઈવર સહિતના તમામ ૭ લોકો ભડથું થઈ ગયા હતા.
મૂળ પાટણના સાંતલપુર તાલુકાના કોરડા ગામના અને હાલ વારાહી ખાતે રહેતા ૩૮ વર્ષના રમેશભાઇ મનસુખભાઇ નાયી, પત્ની ૩૫ વર્ષના કૈલાશબેન, ૧૨ વર્ષનો દીકરો સની અને ૮ વર્ષની દીકરી શીતલ રાધનપુરના નાનાપુરા ગામે રહેતા સાળા ૩૫ વર્ષના હરેશભાઇ ચતુરભાઇ નાયી, પત્ની ૩૨ વર્ષના સેજલબેન અને ૬ વર્ષના પુત્ર હર્ષિલની સાથે સંબંધીની ટેક્સી પાસીંગ કાર લઇને યાત્રાધામના પ્રવાસે નીકળ્યા હતા. આ સભ્યો બેસતા વર્ષના બીજા દિવસે સવારે ઘરેથી રવાના થયા હતા.