માણસાઃ માણસા તાલુકાના અમરાપુરમાં રહેતા વિમળાબહેનને ૨૧મી જૂને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પુત્રીને જન્મ આપ્યો હતો. પાંચ દીકરીની માતા વિમળાબહેન નવજાત બાળકીને લઈને પિયર આવી હતી. ૨૪મી જૂને વિમળાબહેનના પતિ વિષ્ણુજી દહેગામ તાલુકાના મોટી માછંગ ગામે સાસરીમાં આવ્યા અને પુત્રની ઝંખના ધરાવતા પિતાએ ચાર દિવસની પુત્રીના પેટમાં છરીના ઘા મારી દીધા. લોહીથી લથબથ દીકરીના આંતરડા બહાર નીકળી પડેલા જોઈને વિમળાબહેને બૂમરાણ મચાવી દીધી. તેથી સ્વજનો દોડી આવ્યા અને વિષ્ણુજીને પકડીને પોલીસના હવાલે કર્યો હતો.
દીકરીને ૧૦૮ દ્વારા તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું. તેથી પિતા પર પુત્રીની હત્યાનો ગુનો દાખલ કરાયો છે.