અંબાજીઃ શક્તિધામ અંબાજી નજીક ગબ્બરની બખોલમાં રહેતા ચૂંદડીવાળા માતાજી બ્રહ્મલીન થયા બાદ ગબ્બરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રમાણે કુટુંબીજનોની હાજરીમાં તેમને અશ્રુભીની આંખે સમાધિ અપાઈ હતી. આ પ્રસંગે લાખો માઈભક્તોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરે બેઠાં અંતિમ દર્શન કર્યાં હતાં.
ચૂંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની એકાણું વર્ષે બ્રહ્મલીન થયાં હતાં. એંસી વર્ષથી અન્ન જળ વિના અને કુદરતી હાજતે કે શૌચક્રિયા વિના જીવિત રહેનાર ચૂંદડીવાળા માતાજી વિશ્વની એક અજાયબી સમાન હતા. ૨૮મી મેએ સવારે ૬ વાગ્યાથી અંતિમ ક્રિયાઓ શરૂ કરવામાં આવી હતી. સવારે ૮.૧૫ કલાક સુધીમાં ગુરુ પુષ્ય નક્ષત્રમાં તેમને સમાધિ અપાઈ હતી. વહેલી સવારે ચૂંદડીવાળા માતાજીના નશ્વર દેહને સાત નદીના જળથી સ્નાન કરાવી ચંદન લેપ કરાયો હતો. ચૂંદડીવાળા માતાજી પુરુષ હોવા છતાં સતત એંસી વર્ષ સુધી સ્ત્રીના શૃંગારમાં જ સજ્જ રહેતા હતા. તેથી તેમને સંપૂર્ણ નારી શૃંગાર કરવામાં આવ્યો હતો. તેઓ જ્યાં બેસીને ભક્તજનોને આશીર્વાદ આપતા હતા તે સ્થળે સમાધિ અપાઈ હતી. આ પ્રસંગે માતાજીના પરિવારજનો અને ખાસ ભક્તો જ હાજર રહ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ સહિત ભારે ભીડ ન થાય તે માટે પોલીસતંત્ર દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.