મહેસાણાઃ દેશભરમાં ઘરે-ઘરે શૌચાલય બનાવવાનું અભિયાન ચાલે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની નજીક આવેલા છાબલિયા ગામના લોકોએ જાતે બીડું ઉપાડીને ૯૫ ટકા ઘરમાં શૈચાલયનું નિર્માણ કર્યું છે. છાબલિયાના ગાંધીનું બિરુદ્દ પામેલા બાબુભાઈ શાહે ગામની કાયાપલટ કરી છે. ગામ વર્ષો અગાઉ ચોર-ડાકૂ અને દારૂડિયાના નામથી પંકાયેલું હતું. ૮૦૦૦ની વસતી ધરાવતા ગામમાં ઘરે ઘરે શૌચાલયો બનવાની કામગીરી પૂર્ણતાના આરે છે. કોઇ ખુલ્લામાં શૌચક્રિયાએ ન જાય તે માટે ગ્રામ કમિટી બની છે. કમિટી લોકોને ખુલ્લામાં શૌચક્રિયા ન કરવા સમજાવે છે. ગામને સ્માર્ટ સિટી બનાવવાની દરખાસ્ત પણ સરકારમાં મોકલાઈ છે.
વડનગરથી ૧૦ કિમી દૂર આવેલા છાબલિયામાં શિક્ષણનું પ્રમાણ ઊંચુ છે. અહીં કન્યા કેળવણી ભાર અપાયો છે. ધો. ૯થી૧૨માં કુલ ૩૮૧ છાત્રોમાં ૨૦૫ છોકરાઓ સામે ૧૭૬ કન્યાઓ શિક્ષણ મેળવી રહી છે. ગામમાં બેન્ક, ડેરી, શાળા, દવાખાના સહિતની તમામ સુવિધાઓ છે.
છાબલિયાના ગાંધીની ભેખ
ઇન્કમટેક્ષ ઓફિસર એવા બાબુભાઇ શાહે શોષિત લોકોના ઉત્થાન માટે ગાંધીજીએ કરેલા આહવાનને ઉપાડી છાબલિયાની પસંદગી કરી. બાબુભાઇએ ગામના આગેવાનોને વિશ્વાસમાં સુધારણા અભિયાન ચલાવ્યું. ગામ ચોર ડાકુ અને દારૂડિયાના ગામથી પંકાયેલુ હતું. કામધંધા વગર લોકો ખોટા કૃત્યો કરતા હતા. શાળા ખોલી, વ્યસનમુક્તિ સહિત ખોટા કામો બંધ કરવા લોકોને સમજાવ્યા. નવા બોર બનાવ્યા. લોકોમાં જાગૃતિ આવતી ગઇ તેમ તેમ ગામલોકો ખરાબ સોબત પણ છોડવા લાગ્યા. ગામ લોકોએ તેમને છાબલિયાના ગાંધીનું બિરુદ આપ્યું છે.