મહેસાણાઃ સમગ્ર ગુજરાત અત્યારે અગન વર્ષા થઇ રહી છે ત્યારે મહેસાણાથી ૧૮ કિલોમીટર દૂર આવેલા જંગલ જેવા વિસ્તારમાં હરિયાણાના સત્યનારાયણપુરી મહારાજે ૫૧ દિવસનો અત્યંત વિચિત્ર અને કઠીન હઠયોગ શરૂ કર્યો છે. આ હઠયોગ મુજબ મહારાજ દરરોજ બપોરે સાડા બાર વાગ્યાથી સાડા ચાર વાગ્યા સુધી ધખધખતી જમીન પર ઉઘાડા શરીરે બેસે છે. એટલું જ નહીં મહારાજની આજુબાજુમાં દસ ફૂટના અંતરે છાણાની ચાર ચિતા પણ સળગાવવામાં આવે છે, જેનો અસહ્ય તાપ પણ મહારાજ સહન કરે છે. પ્રખર હઠયોગ કરી રહેલા સત્યનારાયણપુરી જે વિધિ કરે છે એને અગ્નિકાલ વિધિ કહેવામાં આવે છે. એમાં શરીરને અત્યંત આકરું કષ્ટ આપવામાં આવે છે. આ અગ્નિકાલવિધિ કરવાથી તમામ પ્રકારના સંજોગોમાં પણ મન વિચિલિત થતું નથી અને દરેક પ્રકારની શારીરિક તકલીફ સહેવાની ક્ષમતા પણ જન્મે છે. મહારાજે જ્યારે હઠયોગની વિધિ શરૂ કરી ત્યારે મહેસાણાના રામપુરા ગામના આ વિસ્તારમાં ૪૩.૮ ડિગ્રી તાપમાન હતું. જોકે મહારાજની આજુબાજુમાં સળગાવેલી ચાર ચિતાના કારણે મહારાજ જ્યાં બેઠા હતા એ વિસ્તારનું મહત્તમ તાપમાન છેક બાવન ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. અસહ્ય અને અકલ્પનીય વાતાવરણ વચ્ચે પણ સાધુ મહારાજે અત્યંત સ્વસ્થ રીતે યોગસાધનામાં બેઠા રહ્યા, જે ખરેખર આશ્ચર્યમાં મુકે તેવી ઘટના હતી. મહારાજે શરૂ કરેલા આ હઠયોગને ૩૧થી વધુ દિવસો પૂરા થયા છે.