હિંમતનગરઃ અત્યારે દેશના લોકોમાં પશ્ચિમી સંસ્કૃતિના ક્રેઝ વચ્ચે વિદેશીઓમાં ભારતીય સંસ્કૃતિનું આકર્ષણ ખુબ જ સુખદ બાબત છે. રશિયાની યુવતી અને જર્મન યુવક હિન્દુ ધર્મ અને વિધિથી એટલા બધા આકર્ષિત થયા કે તેઓએ તેમના લગ્ન પણ આ જ પરંપરાથી કરવા મક્કમ બન્યા અને સાથ મળ્યો ભારતીય મિત્રોનો. હિંમતનગર તાલુકાના સાકરોડીયા ગામે ભારતીય મિત્રોની મદદથી ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન સમારોહ યોજાયો હતો.
હિંમતનગર તાલુકાના સાકરોડીયા ગામમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના માહોલ વચ્ચે લગ્નની શરણાઈઓ ગુંજી ઉઠી હતી અને એક અનોખા લગ્નનું સાક્ષી સમસ્ત ગામ બન્યુ હતું. જેમાં જર્મનીનો લાડો ક્રિશ મુલર અને રશિયાની લાડી જુલિયા ઉખવાકટીનાએ ગુજરાતી જાનૈયાઓની હાજરીમાં હિંદુ વિધીથી સપ્તપદીના સાત ફેરા ફરી લગ્નબંધને બંધાયા હતા.
રશિયાની જૂલિયા ઈંગ્લિશ શિક્ષકની સાથે સાથે યોગ શિક્ષક પણ છે. જયારે ક્રિશ ધનાઢય જર્મન બિઝનેસમેનનો પુત્ર છે અને જર્મની તથા સિંગાપોરમાં કામકાજ ધરાવતી કંપનીનો સીઈઓ છે. બન્નેની વિયેતનામમાં મુલાકાત થયા બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો, અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. જોકે તેઓ ભારતીય સંસ્કૃતિથી ખુબ જ પ્રભાવિત હતા અને લગ્ન હિન્દુ પરંપરાથી જ કરવા માગતા હતા. આ યુગલે તેમની લાગણી ભારતીય મિત્રો સમક્ષ વ્યક્ત કરી. હિંમતનગરના સાકરોડીયા ગામના ભગીરથ લાલાભાઈ પટેલ અને શિલ્પાબેન પટેલના પરિવારે વિદેશી મિત્રોના લગ્નની સમગ્ર જવાબદારી ઉઠાવી લીધી. અંગ્રેજીમાં કંકોતરી છપાવીને પરિવારજનો, બહેનો અને ગામના અગ્રણીઓને તેડાવ્યાં સમગ્ર પ્રસંગને ધામધૂમથી ઉજવ્યો.
ભારતીય મિત્રોએ સ્વપ્ન સાકાર કર્યું
ક્રિસ અને જૂલિયાનો ઉત્સાહ જોઇને ભારતીય મિત્રોએ પણ ઉત્સાહભેર પ્રસંગની જવાબદારી ઉઠાવી લીધી. મિત્રો નીલેશ ચૌહાણ અને ભગીરથ પટેલ કામે લાગી ગયા. પ્રસંગનો કાર્યભાર ભગીરથના પિતા લાલાભાઈએ ઉઠાવી લીધો. તેઓએ કન્યા પક્ષ અને વર પક્ષના પરિવારજનોની ગેરહાજરીને ધ્યાને રાખીને લગ્ન કરાવ્યા. બંનેને પીઠી ચોળવાનો રિવાજ પણ કરાવ્યો. સાબરકાંઠાના એક નાનકડા ગામડામાં વિદેશી વર કન્યાના લગ્નને નિહાળવા માટે જિલ્લાના આગેવાનો સહિત ગામના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.
ગ્રામજનો લગ્નમાં મહાલ્યા
આ વિદેશી દંપતીના લગ્નમાં આખું ગામ ઉમટ્યું હતું. ૧૮મી ડિસેમ્બરે ગૃહશાંતિ, ગણેશ સ્થાપન, ગામનો જમણવાર યોજાયો હતો તો ૧૯ ડિસેમ્બરે સવારે ક્રિશ ઘોડે ચઢીને બેન્ડવાજા અને જાનૈયાઓ સાથે જૂલિયાને પરણવા માટે મંડપે પહોંચ્યો હતો. આ પ્રસંગે નીકળેલા વરઘોડામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. બપોરે ૧૨.૩૯ના વિજય મુહુર્તમાં હિન્દુ વિધીથી મંત્રોચ્ચાર વચ્ચે લગ્ન વિધી, કન્યાદાન, સાતફેરા અને કન્યાની વિદાય, જાનૈયાઓના જમણવાર સહિતની તમામ વિધીઓ પુર્ણ કરવામાં આવી હતી.
મિત્રતા લગ્નમાં પરિણમી
રશિયન જુલિયાને હિન્દુ ધર્મનું પહેલાંથી આકર્ષણ હોવાથી તે ભારતપ્રવાસે આઠ વખત આવી ચૂકી છે. તો ક્રિસ પણ આવી જ રીતે કુંભના મેળામાં ગત વર્ષે આવી ચૂકયો છે. બંને વચ્ચે ખુબ જ લાંબા સમયથી ફ્રેન્ડશીપ હતી અને બંનેએ ભારતીય સંસ્કૃતિથી આકર્ષાઈને હિન્દુ ધાર્મિક વિધી મુજબ લગ્ન કરવાનું નક્કી
કર્યું હતું.