જૂથવાદમાં પડતા નહીં, અહીં મત મોદીના નામે જ મળે છેઃ સી. આર. પાટિલ

Friday 11th September 2020 07:09 EDT
 
 

ગાંધીનગરઃ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલના ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન ૪થી સપ્ટેમ્બરે સવારે પાટણથી ઊંઝા વચ્ચે ભવ્ય સ્વાગત થયું હતું. કાર્યકરોને સંબોધતા પાટિલે કાર્યકરોને જૂથવાદમાં પડયા વગર વિધાનસભામાં ૧૮૨ બેઠકો જીતવા માછલીની આંખની લક્ષ્ય નક્કી હોવાનું કહ્યું હતું. પાટિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસીઓની કોઈ વિશ્વસનીયતા રહી નથી. ગ્રાઉન્ડ લેવલે સંપૂર્ણ સક્રિયાતા સાથે અથાગ પરિશ્રમ કરતો ભાજપનો કાર્યકર્તા જ ભાજપની તાકાત છે અને અંતે અહીં મત મોદીના નામે જ મળે છે.
ભાજપના સંગઠનાત્મક પ્રવાસના બીજા દિવસે સી. આર. પાટિલે પાટણમાં કાળકા માતાજી, વીરમાયા મેઘવાળની ટેકરીએ દર્શન કર્યાં હતાં. એ પછી ઊંઝામાં ઉમિયા માતાજી મંદિરમાં સુરતમાં વેપાર-ધંધાર્થે સ્થાયી ઉત્તર ગુજરાતના વતનીઓ દ્વારા પાટિલની રજતતુલા થઈ હતી. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ઉર્જા પ્રધાન સૌરભ પટેલ સહિતના પાટીદાર ધારાસભ્યો પણ ઊંઝાથી પાટિલના પ્રવાસમાં જોડાયા હતા. વિસનગર પાસે તરભ સ્થિત રબારી સમાજના આસ્થાના પ્રતીક વાળીનાથ ધામમાં પણ પાટિલની રજતતુલા કરાઈ હતી. એસ્કોર્ટ બેન્ડથી મહેસાણામાં સ્વાગત બાદ કાર્યકરોને સંબોધતા પાટિલે કાર્યકરોને જૂથવાદથી દૂર રહેવા તાકીદ કરી હતી.
સી. આર. પાટિલે અહીં કોઈ જૂથવાદ તો નથી ને? તેની પૃચ્છા કરતાં કહ્યું કે, અહીં બેઠેલા તમામને હું પેજ પ્રમુખ ઘોષિત કરું છું. તમામ જુદા જુદા સમાજના મતદારોને સમિતિના સભ્ય બનાવી જવાબદારી વહેંચો. સ્વાગત કાર્યક્રમોને કારણે પાટિલનો પ્રવાસ વિલંબમાં ચાલતા શનિવારે આવા કાર્યક્રમોને પડતા મુકાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter