પાલનપુર: ડીસાના મનુ આસનાનીની (ઉં ૫૨) જવાબદારીઓ કોરોના કાળમાં વધી ગઈ છે. ૧૧ વર્ષની ઉંમરથી બિનવારસી લાશોની અંત્યેષ્ટિ કરતા મનુભાઈએ ૪૧ વર્ષમાં ૧૧ હજારથી વધુ મૃતદેહની હિન્દુ સંસ્કૃતિ મુજબ અંતિમ વિધિ કરી છે. કોરોના સંકટ વચ્ચે એપ્રિલ મહિનામાં કોરોનાગ્રસ્ત મૃત મહિલાની અંત્યેષ્ટિ પીપીઇ કીટ પહેરીને મનુભાઈએ કરી હતી એ પછી ૨૦૦થી વધુ મૃતદેહોની માત્ર માસ્ક પહેરીને અંતિમ ક્રિયા મનુભાઈએ કરી છે. અકસ્માતમાં મૃતદેહ કોઈ પણ સ્થિતિમાં હોય, તેના અવશેષો પણ એકઠા કરવાના હોય તો મનુભાઈ મશીનની જેમ મૃતકનું અંગ અંગ શોધીને તેની અંતિમ વિધિ કરે છે. બિનવારસી મૃતદેહ મળે તો પોલીસ પણ મનુભાઈને કોલ કરે છે.
કોરોના કાળમાં કપરું કામ
કોરોના કાળમાં પરિવાર પણ મૃતકોને સ્વીકારતાં ડરે છે ત્યારે મનુભાઈ ડર વગર મૃતકની અંતિમ ક્રિયા કરે છે. મનુભાઈએ જણાવ્યું કે, થોડા દિવસો પહેલાં જ ડીસાના એક વૃદ્ધનું ત્રીજા માળે શંકાસ્પદ મોત થયું ત્યારે કોરોનાના ડરે કોઈ નજીક ન ગયું. એવામાં તેમની અંતિમ ક્રિયાની જવાબદારી લેવી પડી. આવા તો અનેક કિસ્સા છે. ખાનગી કે સરકારી હોસ્પિટલમાં મૃતદેહનો કબજો લેતાં પરિજનો ડરે છે. એક પુત્રએ મૃત કોરોનાગ્રસ્ત પિતાને અંતિમ દાહ આપવા ના કહી. તેને ૧૦ ફૂટ લાંબો વાંસ આપ્યો તો કહે કે, વાંસ પર અનેકોના હાથ લાગ્યા હશે. જેમ તેમ પિતાની અંતિમ ક્રિયા થઈ.
૬ મહિનાનું અંતર
મનુભાઈ કહે છે કે, હું આ કાર્ય કરું છું તેથી છ મહિનાથી લોકોએ મારી સાથે અંતર કેળવી લીધું છે. સળગતા મૃતદેહ પાસે હું એકલો હોઉં છું ત્યારે ક્યારેક આંખો ભરાઈ આવે છે. મનુભાઈ કહે છે કે, અંતે જેનું કોઈ નહીં એનો હું છું એવું હું માનું છું. મેં ઘરના રૂપિયા ખર્ચીને ક્યારેક અંત્યેષ્ટિ માટે વસ્તુઓ લાવી હશે પણ ક્યારેય કોઈ પાસે હાથ લંબાવ્યો નથી. જોકે સરકારે ઘણી વખત સન્માન કર્યાં છે. મનુભાઈ કહે છે કે આમ તો લોકોનો પણ મને બહુ પ્રેમ મળ્યો છે. મારે ઘરે પહેલી દીકરીના ૧૧ વર્ષ પછી દીકરો આવ્યો હતો. તેને થોડા વર્ષો અગાઉ ડેન્ગ્યુ થયો હતો અને કાઉન્ટ માત્ર દસ હજાર હતા, એ વખતે બ્લડ આપવા માટે ૫૦ લોકો આવી ગયા હતા અને મારી આંખો ભરાઈ
ગઈ હતી.