સિદ્ધપુરઃ તાલુકાના લોઢપુર ગામના રિયાઝ પ્યારઅલી ઉપતિયા યુ.એસ.ના ટેક્સાસમાં આવેલા કોલે સ્ટેશનમાં છેલ્લા ૧૮ વર્ષથી રહે છે. તેમને બે દીકરા અને એક દીકરી છે. ત્રીજી જૂને સવારે ૬.૪૫ કલાકે રિયાઝભાઈ કોલે સ્ટેશનથી વેનરામ નોકરીએ જતા હતા. તે દરમિયાન વરસાદ અને પૂરની સ્થિતિ ગંભીર બનતાં રિયાઝભાઈ જે ટ્રકમાં બેઠા હતા તેના પર પૂરના પાણી ફરી વળતાં છેલ્લે તેઓએ તેમના પુત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિ જાણ કરી હતી. પુત્ર સાથે વાત કર્યાના ૩૬ કલાક બાદ રિયાઝભાઈ તથા ત્રણેક વિદેશીઓ પૂરના પાણીમાં ફસાતાં તેમનાં મોત નીપજ્યાં હતાં. રિયાઝભાઈનો મૃતદેહ સરકારી તંત્રને મળી આવતાં પરિવારજનોને સોંપ્યો હતો.