મહેસાણાઃ એક તરફ, પાટીદારોનું અનામતનું કોકડું હજુયે ઉકેલાયું નથી ત્યારે બીજી તરફ, ઠાકોર-ક્ષત્રિયોએ અલગથી ૨૦ ટકા અનામતની માંગણી કરીને વિવાદને વધુ ઘેરો બનાવ્યો છે. વિસનગરમાં વહીવટી તંત્રે મંજૂરી આપી ન હોવા છતાંયે ઠાકોર-ક્ષત્રિયોએ ૧૧મી માર્ચે ઉત્તેજનાપૂર્ણ માહોલ વચ્ચે રેલી યોજી હતી. જોકે, વહીવટીતંત્રની રેલી માટે મંજૂરી ન હોવાથી પોલીસ અને ઠાકોર-ક્ષત્રિય આગેવાનો વચ્ચે સામાન્ય તનાવ સર્જાયો હતો. જોકે આખરે કોઇ પણ અનિચ્છનીય ઘટના નહીં બને તેવી ખાતરી ઠાકોર-ક્ષત્રિય સમાજે આપતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજાઈ હતી.
૧૦મી માર્ચે સવારે ૧૧ વાગે અનામતની માંગણીને લઇને બેનરો સાથે રેલી નીકળી હતી જે ત્રણ દરવાજા ટાવર થઇને મામલદાર કચેરી પહોંચી હતી. જયાં ઠાકોર-ક્ષત્રિયોને રાજ્યમાં અલગથી ૨૦ ટકા અનામત આપવાની માગ સાથેનું આવેદનપત્ર અપાયું હતું. આવેદનપત્રમાં એવી પણ માગણી કરાઇ હતી કે, ઠાકોર વિકાસ નિગમ બોર્ડમાં સરકારે રૂ. ૨૫૦૦ કરોડનું પેકેજ આપવું જોઇએ.