પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડાયસ્પોરા વિભાગના ત્રણ પુસ્તકો છપાવવામાં બેદરકારી દાખવવા બદલ વિભાગના અધ્યક્ષ ડો.આદેશ પાલને સસ્પેન્ડ કરાયા છે. ડાયસ્પોરા વિભાગમાં વર્ષ ૨૦૦૯માં ત્રણ પુસ્તકો પ્રકાશિત કરવા માટે રૂ. દોઢ લાખ પેશગી રૂપે ફાળવાયા હતા. પરંતુ વર્ષ ૨૦૧૫ સુધીમાં એક જ પુસ્તક પ્રકાશિત થયું હતું અને ત્રણ પુસ્તકોના નાણા ચૂકવ્યા હોવાની રસીદો રજૂ કરવામાં આવી હતી. ઓડિટ દરમિયાન આ વિગતો બહાર આવી હતી. જેથી રજિસ્ટ્રારે ડો. પાલને ત્રણ નોટિસ આપી હતી, પણ તેનો જવાબ આપ્યો ન હતો. અંતે યુનિવર્સિટીની કારોબારી સમિતિએ ડો.આદેશ પાલને ફરજ પરથી મોકૂફ કરવાનો નિર્ણય લીધો હતો.
બહુચરાજી મંદિરનો કળશ ધરાશાયી
ઉત્તર ગુજરાતના તીર્થધામ બહુચરાજીસ્થિત બહુચર માતાજીના મુખ્ય મંદિરનો તાજેતરમાં જીર્ણોદ્ધાર કરાયું હતું. આ કામમાં અનેક ખામીઓ રહી ગઈ હોવાનું બહાર આવ્યું હતું. ફાગણી પૂનમના દિવસે મુખ્ય મંદિરના ઘુમ્મટ પરથી અંદાજે ૧૫૦ કિલો વજનનું આરસનું ત્રણ ફૂટ ઊંચું શિખર અચાનક ધડાકાભેર પડતાં ભક્તો ગભરાયા હતા. જોકે, સદનસીબે શિખર ઉપરના ભાગે જ અટકી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. તપાસમાં જણાયું હતું કે, મુખ્ય મંદિરના ત્રણ ઘુમ્મટ પેકી વચ્ચેના ઘુમ્મટ પર લગાવેલ આરસનું શિખર તેની મૂળ જગ્યાએથી ધસીને નીચે પડી ગયું હતું.