કડીઃ લગ્નના હકો પુનઃસ્થાપન કરવા માટે કલોલની ડિમ્પલ કડીમાં સાસરીના ઘરની બહાર બિસ્તરા પોટલા સાથે જંગે ચઢી છે. મીડિયામાં આવેલા આ કિસ્સા પ્રમાણે કલોલમાં સરદાર પટેલ સોસાયટીમાં રહેતી ડિમ્પલ અશોકભાઈ પટેલના લગ્ન જ્ઞાતિના રિવાજ પ્રમાણે કડીના થોળ રોડ પર આવેલી જયરણછોડ સોસાયટીમાં રહેતા અને લંડન સ્થાયી થયેલા બ્રિજેશ અશોકભાઈ સાથે ૮મી ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ થયા હતા. લગ્નના બે વર્ષ સુધી ડિમ્પલ સાસરિયામાં સુખી હતી. બે વર્ષના સુખી લગ્નજીવનથી તેને એક પુત્ર પણ થયો છે. લગ્નના બે વર્ષ પછી ડિમ્પલનો પતિ અને સાસરિયા વિના કારણે નાની બાબતે તેને ઠપકો આપતાં અને મારતા. ડિમ્પલના કહેવા પ્રમાણે લગ્નજીવન બગડે નહીં એટલે તે ચૂપચાપ સહન કરતી. એ પછી સાસરિયાઓએ તેને ઘરમાંથી કાઢી મૂકી ને તે પિયરમાં રહેવા ગઈ, પણ કથિત રીતે હવે તે લગ્નના હક્ક પુનઃસ્થાપન માટે લડે છે. તેની ફરિયાદ છે કે, કડી પોલીસ તેને રક્ષણ આપવાની જગ્યાએ સાસરી પક્ષને મદદ કરે છે અને વહુને બિસ્તરા પોટલા સાથે ઘરની બહાર રાખીને ઘરને તાળાં મારીને સાસરિયાઓ ચાલ્યા ગયા છે.