અમદાવાદઃ આગામી સમયમાં ગુજરાતને વધુ એક વાયુસેના મથક (એરફોર્સ બેઝ) મળે એવી શક્યતા છે. ગુજરાતના ડીસા પાસે એરફોર્સ મથક બનાવવાનું વર્ષો જૂનું આયોજન છે. પરંતુ એ આયોજન ફાઈલોમાં જ અટવાયેલુ પડયું છે. નવા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને હવે આ પ્રોજેક્ટમાં સક્રિયતા દાખવી છે. સિતારામને ફાઈલો પરથી ધૂળ ખંખેરી કામ હાથમાં લીધુ છે. માટે ગુજરાતના નવા એરફોર્સ મથકનો પ્રોજેક્ટ ટૂંક સમયમાં આગળ ધપે એવી શક્યતા છે.
ગુજરાતની સરહદ પાકિસ્તાનને સ્પર્શે છે. ભૂતકાળના પાકિસ્તાન સાથેના દરેક યુદ્ધ વખતે ગુજરાતનો મહત્ત્વપૂર્ણ રોલ રહ્યો છે. હાલ ગુજરાતમાં જામનગર, નલિયા અને ભુજ એમ ત્રણ વાયુસેના મથકો છે. વધુ એક મથક પણ પાકિસ્તાની સરહદ નજીક જ તૈયાર કરવાનું હોવાથી ડીસાની પસંદગી કરવામાં આવી છે. ડીસા પાકિસ્તાન સરહદથી ઘણુ નજીકનું શહેર છે. યુદ્ધ જેવા સંજોગોમાં તુરંત વળતો પ્રહાર કરવા માટે આ મથક મહત્ત્વનું સાબિત થઈ શકે એમ છે.
તાજેતરમાં સંરક્ષણ પ્રધાન સિતારામન ગુજરાતના જામનગર એરબેઝની મુલાકાતે આવ્યા હતા. એ વખતે આ નવા એરબેઝ અંગે ચર્ચા થઈ હતી. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓના કહેવા પ્રમાણે એ મુલાકાત પછીથી પ્રોજેક્ટની ફાઈલ ઝડપથી આગળ વધી રહી છે. ટૂંક સમયમાં આ ફાઈલ કેબિનેટ કમિટી ફોર સિક્યુરીટી સુધી પહોંચી શકે એમ છે. આ સમિતિ સંરક્ષણ અંગેના મહત્ત્વના નિર્ણયો લેતી હોય છે અને વડા પ્રધાન એ સમિતિના અધ્યક્ષસ્થાને છે.