મહેસાણા: ડીસાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શશીકાંત પંડયાને વર્ષ ૧૯૯૯ના એક કેસમાં સ્થાનિક કોર્ટે ત્રણ માસની કેદની સજા ફટકારી છે. ૧૯૯૯માં ડીસા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. એ સમયમાં પ્રમુખ પ્રકાશ ભરતિયાના કાર્યકાળ દરમિયાન ડીસાના હાલના ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડયા નગરસેવક હતા. તે વખતે કોઈ મામલે તે સમયના ચિફ ઓફિસર ગંગારામ સોલંકી તથા ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ સાથે ઓફિસમાં શાંતિનો ભંગ કરી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ ઉભી કરીને ફાઈલોમાં રહેલી માહિતી તોડમરોડ કરી પુરાવો નાશ કરવાની કોશિશ કરી હોવાનો આરોપ તેમના પર લાગ્યો હતો.
આ અંગેનો કેસ તાજેતરમાં સ્થાનિક કોર્ટમાં ચાલી જતાં ધારાસભ્ય શશીકાંત પંડયાને ત્રણ માસની કેદની સજા અને રૂ. ૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. સરકારી વકીલની રજૂઆતોને ધ્યાને લઈ હાલ આ સજા ફટકારી છે. જેમાં ધારાસભ્યને તાત્કાલિક જામીન મળી ગયા છે.
ધારાસભ્યે જણાવ્યું કે મને ઉપલી કોર્ટમાં જવા માટેનો સમય આપ્યો છે. આ અંગે ધારાસભ્ય શશીકાંત પંડયાએ જણાવ્યું કે મને હાલ કોઈ સજા પડી તેવું કહી શકાય તેમ નથી, કારણ કે કોર્ટે મને હાઈ કોર્ટમાં જવા માટેનો સમય આપ્યો છે.
જો મને હાઈ કોર્ટ કસૂરવાર ઠરાવે અને સજા આપે તો તે સજા માન્ય ગણાશે તેવું મારું માનવું છે. જ્યારે કોંગ્રેસનો સૂરજ તપતો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના બે કે ત્રણ નગરસેવકો ચુંટાયા હતા અને કામ થતાં ન હોવાથી ચિફ ઓફિસર સાથે તકરાર કરી હતી.