પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં છેલ્લા કેટલાક વર્ષોથી બટેટાની ખેતી સતત વધી રહી છે. જેના કારણે મુખ્ય રવિ પાક ગણાતા રાયડા અને એરંડાના વાવેતરમાં મોટો ઘટાડો થયો છે. આથી અત્યારે ડીસા માર્કેટયાર્ડમાં રાયડા-એરંડાની આવક ગત વર્ષના પ્રમાણમાં અડધી થઇ છે. જો કે, આ વર્ષે બટેટાની ખેતીથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હવે આવતા વર્ષે રાયડા-એરંડાનું વાવેતર વધવાની શક્યતા છે. અગાઉ અહીં મુખ્ય રવિ પાક તરીકે રાયડા અને એરંડાનું વાવેતર થતું હતું અને બટેટાનું વાવેતર ૧૦-૧૨ હજાર હેક્ટર જમીનમાં થતું હતું. પરંતુ ઉલ્લેખનીય છે કે છેલ્લા એક દાયકાથી બટેટાનું વાવેતર ક્રમશ: વધતું રહેતાં ચાલુ વર્ષે પણ ૪૦ હજાર હેક્ટર સુધી પહોંચી ગયું છે.