નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં મળેલી સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિએ ૨૩મી માર્ચે બનાસકાંઠા જિલ્લામાં ડીસા નજીક ફોર્વર્ડ ફાઇટર બેઝ ઊભો કરવાની ભારતીય વાયુસેનાની લાંબા ગાળાથી પડતર દરખાસ્તને મંજૂરી આપી હતી. પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદે વાયુસેનાનું આ નવું મથક ઊભું થતાં ભારતીય લશ્કરી ક્ષમતામાં વધારો થશે.
અહેવાલો છે કે, વાયુમથકમાં રનવેની લંબાઈ વધારવા, લડાયક વિમાનોને સુરક્ષિત મૂકવાની વ્યવસ્થા વિકસાવવા અને વહીવટી સુવિધાઓ ઊભી કરવા રૂ. ૧,૦૦૦ કરોડ ખર્ચાશે. ૧,૦૦૦ મીટર રનવે ધરાવતાં ડીસા એર પોર્ટનો વીવીઆઈપી મુલાકાતો દરમયિાન હેલિકોપ્ટર લેન્ડિંગ માટે ઉપયોગ થતો રહ્યો છે. કેટલાક સમયથી એરપોર્ટ ધૂળ ખાતું હતું. હકીકતે આ સ્થળે ૪૦૦ એકર જમીનમાં ઊભું થનારું વાયુસેનાનું નવું મથક પાક. સરહદે બાડમેર અને ભુજ એરબેઝ વચ્ચેના સુરક્ષા ખાલીપાને ભરશે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે આ નિર્ણયને દબાણપૂર્વક આગળ વધાર્યો હતો.
ગાંધીનગર મુખ્યાલયનાં કમાન્ડમાં
આ નવું મથક વાયુસેનાનાં ગાંધીનગર મુખ્યાલયનાં કમાન્ડ હેઠળ રહેશે. આ મુખ્યાલય વાયવ્ય એર કમાન્ડ સંભાળે છે. આ મુખ્યાલય ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વિસ્તારની સુરક્ષાવ્યવસ્થા સંભાળે છે. ડીસા તે આ કમાન્ડનું નવમું વાયુમથક બની રહેશે.
૩૧ હેક્ટર, ૧૨૦ વીઘાથી વધુ વિસ્તારમાં આઘુનિક એરબેઝ બનશે
આ એરપોર્ટ ડીસા શહેર, રાણપુર આથમણા વાસ અને રાજપુર ગામ એક ત્રણ ગામના સીમાડામાં આવેલું અને અંદાજીત ૩૧ હેક્ટર એટલે કે ૧ર૦ વીઘાથી વધુ જમીનમાં પથરાયેલું છે. સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા મુજબ અહીં ૧૦૦૦ મીટરનો વિસ્તાર નાના હેલિકોપ્ટર અને વીવીઆઈપી માટે અલાયદો રાખવામાં આવશે. લગભગ બે દાયકા પહેલા આ જમીન ઈન્ડીયન એરફોર્સ દ્વારા ૪૦૦૦ એકર જમીન પર હસ્તગત કરવામાં આવી હતી. જે રાજસ્થાનના બાડમેર અને ગુજરાતના ભુજ વચ્ચે મહત્ત્વની હવાઈ સંરક્ષણ તરીકે સેવા આપશે. ઈન્ડિયન એરફોર્સના બે ભુતપુર્વ અધિકારીઓએ જણાવ્યું છે કે ડીસાની ભૌગોલિક પરિસ્થિતિ જોતાં ઉત્તર અને પશ્ચિમમાં બાડમેર અને ભુજ-નલિયાની વચ્ચે ખાલી પડેલી મોટી જગ્યા ભરવામાં આવશે.