ડીસાઃ ઉત્તર ગુજરાતના ડીસા નગરમાં લવજેહાદ મુદ્દે પ્રચંડ જનઆક્રોશ પ્રવર્તે છે. આ દૂષણના વિરોધમાં રવિવારે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. જનઆક્રોશ રેલીમાં 15 હજારથી વધુ લોકો જોડાયા હતા. જોકે રેલીના કેટલાક યુવાનો લઘુમતી વિસ્તારમાં જતા અને કાયદો અને વ્યવસ્થા ન બગડે તે માટે પોલીસે રોકવા લાઠીચાર્જ કર્યો હતો, જેમાં એકને માથામાં ઈજા થઈ હોવાના અહેવાલ છે.
માલગઢ ગામની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેના પરિવારનું પણ ધર્માંતરણ કરાયું હોવાની ઘટના પગલે વિવિધ હિન્દુ સંગઠનોમાં બે દિવસથી ભારે રોષનો માહોલ હતો. હિન્દુ સમાજના આગેવાનો અને વિવિધ સંગઠનો સાથે જોડાયેલા હોદ્દેદારો સાથે રવિવારે નીકળેલી આક્રોશ રેલી ફુવારા સર્કલ, સુભાષ ચોક, હીરા બજાર, એસ.સી.ડબ્લ્યુ. હાઈસ્કૂલ ચાર રસ્તા થઈ સરદાર બાગ ખાતે પરત ફરી હતી. જોકે હીરા બજાર આગળ રેલી પહોંચતા જ કેટલાક યુવકો મુસ્લિમ વિસ્તાર તરફ જવા આગળ વધતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. જેમાં એક વ્યક્તિને કાન પર ઈજા થતાં ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
રેલી બાદમાં સરદાર બાગ આગળ જાહેર સભામાં ફેરવાઇ ગઇ હતી. જેમાં ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત હિન્દુ સંગઠનના આગેવાનોએ હિન્દુ પરિવારને 24 કલાકમાં યુવતી પરત સોંપી દેવાની અને ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી આપી હતી.
તો પરિણામ ભોગવવા પડશેઃ ધારાસભ્ય
ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ પ્રચંડ રેલીને સંબોધતા જણાવ્યું હતું કે પોલીસ જો યુવકોને રોકશે તો માઠાં પરિણામો ભોગવવા પડશે. ડીવાયએસપી ઓઝા આ વાત સાંભળી લે. તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું કે આલિયા, માલિયા જમાલિયાને ખુલ્લી ચેતવણી આપું છું કે, ચેતજો, આ હિન્દુવાદી સરકાર છે. અહીં આવું કદાપી સાખી લેવાશે નહીં, સુતેલા સિંહની પૂંછડી પર વારંવાર પંજા મારવાનું બંધ કરો. જો સિંહ જાગશે તો તેનો એક પંજો તમને ભારે પડશે. ડીસામાં ગરબા ક્લાસોમાં આ લોકો યુવતીઓને ભરમાવતા હતા. મેં ગરબા ક્લાસો બંધ કરાવ્યા છે.
શું છે સમગ્ર પ્રકરણ?
ડીસાના માલગઢ ગામની યુવતી આ લવજેહાદ પ્રકરણનો ભોગ બની છે. તેણે મુસ્લિમ યુવક સાથે ધર્મપરિવર્તન કરીને લગ્ન કર્યા હતા. એટલું જ નહીં, આ યુવકે તેની માતા અને ભાઈનું બ્રેઇનવોશ કરતાં માતા-પુત્ર પોતાના ઘરે દેવી-દેવતાના દીવા બંધ કરીને ઘરમાં જ નમાજ પઢવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે પરિવારે તેમને નમાજ પઢવાની ના કહી તો તેમણે ધર્મ અંગીકાર કરવાની વાત કરી હતી. યુવતીના પિતા યુવકના ઘરે પહોંચ્યા હતા અને પોતાની દીકરીને પાછી સોંપી દેવા માગ કરી હતી. તો યુવકે તેમને પણ મુસ્લિમ ધર્મ અંગીકાર લેવા અથવા તો 25 લાખ રૂપિયા આપવાની માગ હતી. પોતાની દીકરીના લગ્ન અને ધર્મપરિવર્તન બાદ યુવતીની માતા અને યુવતીના ભાઈએ પણ ધર્મપરિવર્તન કરી લઇને, પોતાનું ઘર છોડીને અલગ રહેવાનું શરૂ કર્યું હતું.
લવ જેહાદના આ કૃત્યના લીધે પોતાનો આખો પરિવાર વિખેરાઈ જતા ઘરના મોભી એવા પિતાએ ગયા સપ્તાહે લોકલાજના ડરથી ઝેર પી લઇને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ પછી સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને પોલીસે પાંચની ધરપકડ કરી હતી.
મુસ્લિમ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
નગરમાં જે પ્રકારે રોષનો માહોલ પ્રવર્તે છે તેને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રે રવિવારે સવારથી જ ગવાડી, મીરા મહોલ્લા, ડોલીવાસ સહિતના મુસ્લિમ વિસ્તારોમાં મુખ્ય રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.