સુખી-સંપન્ન લોકો પોતાની શક્તિ મુજબ વિવિધ રીતે લોકોપયોગી સેવા કાર્યો કરતા હોય છે. એક સેવાભાવી તબીબે પોતાના વતનમાં ગામલોકોને મોંઘી તબીબી સારવારથી બચાવવાનો નિર્ધાર કર્યો છે. અમદાવાદવાસી એક મેડિકલ સર્જને તેમના વતન એવા વાયડ ગામના તમામ લોકોને આરોગ્ય વીમાનું કવચ પૂરું પાડ્યું છે. ડો. તુષાર લાખિયાએ અંદાજે ૪૨૦૦ ગામવાસીઓને નેશનલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા વીમા પોલીસી અને મેડિક્લેઇમ કાર્ડ અપાવ્યા છે, જેથી તેઓ કેશલેસ સુવિધાનો લાભ મેળવી શકે. ગામમાં દરેક પરિવારના પાંચ સભ્યોને રૂ. ૩૦ હજાર સુધીની મેડિકલ સેવા મળશે. આ અંગે ડો. લાખિયાએ જણાવ્યું હતું કે, ડોક્ટર હોવાથી લોકોને આરોગ્ય અંગે સલાહ આપતો જ રહું છું. પરંતુ ગામ માટે કંઇક વધારે કરવા ઇચ્છતો હતો અને જે વિચાર આવ્યો તેનો અમલ કર્યો છે.
અંબાજીમાં રૂ. ૨૮ લાખનું સોનું ભેટ આપ્યુંઃ યાત્રાધામ અંબાજી મંદિરમાં ગત સપ્તાહે એક ભક્તે રૂ. ૨૮ લાખનું એક કિલોગ્રામ સોનું માતાજીના ચરણમાં ભેટ ધર્યું હતું. મંદિરમાં અત્યાર સુધીમાં ૬૮.૮૭૯ કિલોગ્રામ સુવર્ણદાન દ્વારા સુવર્ણ મંદિરની કામગીરી પચાસ ટકા સુધી થઈ છે. જોકે, દાનવીરે પોતાનું નામ ગુપ્ત રાખવાનો આગ્રહ રાખતાં એક કિલોગ્રામ સુવર્ણની પૂજા વિધી કરી તેને મંદિરના સુવર્ણ ભંડારમાં મુકવામાં આવ્યું હતું.
બ્રિટિશ-જાપાની પ્રવાસીઓ રાણકી વાવની મુલાકાતેઃ પાટણની રાણીની વાવ વિશ્વ વિરાસત જાહેર થતાં સ્થાનિક દેશવાસીઓની સાથે વિદેશવાસી પ્રવાસીઓ પણ તેની મુલાકાતે આવે છે. વિદેશી પ્રવાસીઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવાનું અને ભારતને વિશ્વ સમક્ષ મૂકવામાં તેમનું યોગદાન વિશેષ હોવાનું જણાવે છે. ખાસ તો ગત વર્ષે વડા પ્રધાનની જાપાન યાત્રા બાદ જાપાનીઓ ગુજરાતથી પ્રભાવિત થયા છે. ગત સપ્તાહે ૧૨ જાપાનીઝ અને ચાર બ્રિટિશ પ્રવાસીઓએ રાણકી વાવ, મોઢેરાના સૂર્યમંદિર અને પાટણના પટોળાની પણ મુલાકાત લીધી હતી.
શાકભાજીના ભાવ ઘટ્યા, ખેતરો પશુના હવાલેઃ મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકના ખેડૂતોને આ વર્ષે ફૂલાવરની ખેતી કરતાં તેમને પસ્તાવાનો વારો આવ્યો છે. ફુલાવરના જરૂરી ભાવ નહીં મળતા છેવટે તેને આખા ખેતરોમાં અત્યારે ગધેડા અને ઘેટાંને ખાવા આપી દેવાયા છે. તાલુકાના મોટાભાગના ખેડૂતોએ એક વીઘાથી લઈને ત્રણ વિઘાના ખેતરોમાં ફુલાવરની ખેતી કરી હતી. સિઝનની શરૂઆતમાં ફુલાવરના એક મણના રૂ. ૫૦૦ સુધી સારા ભાવ મળ્યા હતા, પરંતુ અત્યારે માર્કેટ યાર્ડમાં આ ફુલાવર એક મણના રૂ. ૫૦થી ૬૦ના ભાવે મળતાં હોવાથી ખેડૂતોને મજૂરી પણ મળતી નથી.
બાળ ભોજનનું પાંચ વર્ષ સુધી એડવાન્સ બુકિંગઃબાળકોને પોષણ આપવામાં ઉત્તર ગુજરાતનું ખેરોડ ગામ આદર્શ બની રહ્યું છે. આ ગામના વિદ્યાર્થીઓને પાંચ વર્ષ સુધી સરકારી મધ્યાહન ભોજનની જરૂર નહીં પડે. કારણ કે, અહીં શાળાની આસપાસના લોકોએ બાળકોને ભોજન આપવા માટે આગામી પાંચ વર્ષ માટે તિથિ ભોજન નોંધાવ્યું છે. પાંચ વર્ષ સુધી દૈનિક ભોજન આપનારની યાદી ૨૬ જાન્યુઆરીએ જ બનાવી હતી. સ્વજનના જન્મ દિન, પુણ્યતિથિ અથવા તો ખુશીના દિવસે ભોજનનો ખર્ચ ઉઠાવાય છે જે ‘તિથિ ભોજન’ તરીકે ઓળખાય છે.