મહેસાણાઃ માત્ર પાંચ જ મિનિટમાં વિવિધ ૨૧ રાગ ગાવાની ઘટનાને ગિનિસ બુકમાં સ્થાન મળવા સાથે રવિવારે વડનગરમાં યોજાયેલા બે દિવસીય તાનારીરી મહોત્સવનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે દેશમાં નૃત્ય અને ગીત-સંગીતના ક્ષેત્રના નામાંકિત કલાકારોને તાનારીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કરાયા હતા. છેલ્લા ૧૫ વર્ષથી વડનગરમાં આવેલી સંગીત બેલડી તાના અને રીરીની યાદમાં બે દિવસીય મહોત્સવની ઊજવણી કરાય છે. આ વર્ષ ૧૭ અને ૧૮ નવેમ્બરે તાનારીરી સમાધિસ્થળે યોજાયેલા મહોત્સવ દરમિયાન નૃત્ય અને સંગીતનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો.
અકબર બાદશાહના નવરત્નો પૈકીના સંગીત સમ્રાટ તાનસેને દીપક રાગ ગાતા શરીરમાં ઊઠેલી અગનજ્વાળાઓ ઠારવા નાગરબહેનો તાના-રીરીએ મેઘમલ્હાર ગાયો હતો. જેની યાદમાં છેલ્લા ૧૫ વર્ષથી વડનગરમાં આ મહોત્સવ ઊજવાય છે. બે દિવસીય મહોત્સવના અંતિમ દિને મુંબઈના ગજાનન સાલુકે, સ્વરાધિકા ધારી પંચમદા, પદ્મભૂષણ ડો. શ્રીમતી એન. રાજમ, સંગીતકાર સુશ્રી સાધના સરગમ, ઋષિકેશ સેનુદા જેવા દેશના પ્રખ્યાત કલાકારો દ્વારા શરણાઈ વાદન, વાંસળી વાદન, ગીતો, વાયોલીન વાદન અને કલાત્મક નૃત્યો રજૂ કરાયા હતા.
૬૪૦ હાર્મોનિયમ વાદકો
આ અગાઉ પણ તાના-રીરી સમાધિસ્થળે ૬૪૦ જેટલા હાર્મોનિયમ વાદકો દ્વારા પાંચ મિનિટ સુધી સતત વંદેમાતરમ્ અને રાષ્ટ્રગીતની ધૂન વગાડવાની ઘટનાને પણ ગિનિસ બુકમાં સ્થાન મળી ચૂક્યું છે.
સળંગ ૨૧ રાગ
સ્વરાધિકા ધારી પંચમદાએ રાગ જોગથી શરૂ કરીને ભૈરવી, બૈરાગી, બસંતબુખારી, ભૈવર, લલિત, બિલાવલ, હિંડોલ, ગુર્જરતોડી, મૂળતાની, મધુમતી, ભોપાલી, યમન, પૂર્વકલ્યાણ, મારવા, વાચસ્પતિ, કલાવતી, રાજેશ્રી, ગોરખકલ્યાણ, શિવરંજની, દરબારી, માલકૌંસ અને છેલ્લા રાગ ભૈરવી ગાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.