વડનગરઃ પીઠોરી નજીક પેટાળમાંથી બૌદ્ધ સંસ્કૃતિના પ્રાચીન અવશેષો, મૂર્તિઓ અને જૂના સિક્કા મળી આવ્યા પછી તંત્ર દ્વારા વડનગરમાં રૂ. અઢી કરોડના ખર્ચે ઓપન મ્યુઝિયમ બનાવવાનું આયોજન કરાયું છે. ત્યાં જ તાજેતરમાં મહેસાણા જિલ્લાના તારંગા પાસે આવેલા ૩૦૦ મીટર ઊંચા ઢગુલીયા પર્વત પર બૌદ્ધસ્તુપ મળ્યું છે. ઈંટોનું આ સ્ટ્રક્ચર આશરે ૨૦૦૦ વર્ષ પહેલાનું માનવામાં આવે છે. આ બૌદ્ધસ્તુપ મળી આવતા પુરાતત્ત્વ વિભાગે ખોદકામ કરી તેને બહાર કાઢ્યું હતું.
વડનગરથી ૩૫ કિલોમીટર દૂર આવેલા તારંગાની ગિરિમાળામાં તારણમાતાના મંદિર સામે આવેલા ૩૦૦ મીટર ઊંચા ઢગુલીયા પર્વત પર ખોદકામ દરિમયાન બૌદ્ધસ્તુપ મળી આવ્યો છે કે જ્યાં આજથી ૨૦૦૦ વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મીઓ તપસ્યા કરતા હતા. અહીં બૌદ્ધ ધર્મને લગતા પ્રાચીન અવશેષો પણ મળી આવ્યા છે અને ઈંટોના માળખા પણ મળી આવ્યા છે.
વડનગરમાં ઉત્ખનન પછી પુરાતન વિભાગ દ્વારા તારંગાના પર્વત પર ઉત્ખનન શરૂ કરાયું હતું. વડનગર પછી તારંગામાંથી બૌદ્ધસ્તુપ મળ્યા છે. આ સ્તુપ ક્ષત્રપ રાજાના કાળનો હોવાનું અનુમાન છે.
ગાળાકારે માળખું
પુરાતન વિભાગે જણાવ્યું છે કે, પર્વતની ટોચ પર ખોદકામ કરતાં ગોળાકારે બાંધકામ મળી આવ્યું છે. તેનું પ્લેટફોર્મ ૮ મીટર વ્યાસ જેટલું છે. આ પ્લેટફોર્મ પર ચડવા માટે પગથિયાં પણ છે. જે પગથિયાં પ્રદક્ષિણા પથ પર પૂરા થાય છે. પ્લેટફોર્મની મધ્યમાં ઈંટનું બનેલું એક સ્ટ્રક્ચર છે. જે બૌદ્ધસ્તૂપ હોવાનું પ્રતીત થાય છે.
૧૨ જેટલા પર્વતો
પુરાતત્ત્વ વિભાગની જાણકારી પ્રમાણે તારંગાના ૧૨ જેટલા પર્વતો છે. તેમાં મોટી સંખ્યામાં ગુફાઓ પણ હોઈ શકે છે. તારંગામાં ઘણા એવા સ્થળો પણ મળ્યા છે કે અહીં ૧૨મી સદીમાં લોકો વસવાટ કરતા હતા. તારંગાની પશ્ચિમ અને પૂર્વ દિશામાં અસંખ્ય પ્રાચીન અવશેષો છે. જોકે અહીં ૧૨મી સદી પહેલાં વસવાટ હોવો જોઈએ. તેવું અનુમાન પુરાતત્તવ વિભાગનું છે. ૧૨મી સદી અગાઉ અહીં વસવાટ કરતા લોકો ધીરે ધીરે વડનગરમાં આવી વસ્યા હોઈ તારંગાએ પૌરાણિક નગરી વડનગર પહેલા વસેલું હોઈ શકે તેવું પુરાતત્ત્વવિદોનું માનવું છે. પુરાતત્ત્વ વિભાગનું માનવું છે કે આગામી સમયમાં વડનગર અને તારંગામાંથી આ પ્રકારના અવશેષો મળશે. વડનગરમાં તો પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતું મ્યુઝિયમ બનાવવાની અને ઓપન મ્યુઝિયમનું છ મહિનામાં કામ પૂરું કરવાની વાત હતી જ શક્ય છે કે તારંગામાં પણ આવું જ મ્યુઝિયમ બને.