બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવેલા નાણંદેવી માતાજીના પ્રાચીન મંદિરે ચૈત્ર સુદ ચૌદસે લોકમેળો યોજાય છે. થરાદ શહેરમાં યોજાતા આ એક માત્ર મેળામાં થરાદ આજુબાજુના ગામોમાંથી અસંખ્ય લોકો ઉમટી પડે છે. એક દંતકથા મુજબ સંવત ૧૦૧માં ચૈત્ર સુદ ૧૪ના દિવસે રાજસ્થાનના શ્રીમાળનગરથી રાજવી શ્રીપાલઘર સાથે બળદગાડામાં આશાપુરી માતાજી આવેલા અને બળદગાડાની નાંણ આ સ્થળે તૂટી જતાં અહીં જ માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી તે આશાપુરા (નાંણદેવી) માતાજી તરીકે ઓળખાય અને પૂજાય છે. અહીં આવતાં ભક્તો નૈવેધમાં માતર (સુખડી) ધરાવતા હોવાથી તે માતરીયા મેળા તરીકે ઓળખાય છે.
નાના અંબિકા મંદિરે ભક્તોનું ઘોડાપૂરઃ ખેડબ્રહ્માના સુપ્રસિદ્ધ યાત્રાધામ નાના અંબિકા માતાજી મંદિરે ચૈત્રી પૂનમે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. મંદિરના ચાચર ચોકમાં વહેલી સવારથી જ ગ્રહણ હોવાથી દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. ભક્તોએ મા અંબેના દર્શન કરી નારિયેળ, પ્રસાદ, ચુંદડી માતાજીએ ચઢાવ્યા અને પ્રદક્ષિણા ફરી અંબાના ચરણોમાં માથું નમાવી ચૈત્રી પૂનમની લીધેલી બાધા-આખડીઓ લઈ પૂર્ણ કરી હતી. અંબિકા માતાજીનો ચાચરચોક ભરચક લાગતો હતો. માતાજી તેમાંય બપોર પછી વાદળછાયું વાતાવરણ હોવાથી ચૈત્રી પૂનમનો મેળો એટલે શ્રદ્ધા ભક્તિ અને શક્તિ મેળા જેવું ભક્તિમય વાતાવરણ જામ્યું હતું.