પાટણઃ શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલા રામજી મંદિરની બાજુમાં રહેતા ચંદુજી અમુજી ઠાકોરના રહેણાક વિસ્તારમાં રામજી મંદિરના પુજારી અને સમર્થકોએ ચંદુજી ઠાકોરની અવજરજવરની જગ્યાએ ગેરકાયદેસર રીતે દબાણ કરી દિવાલ બનાવી દીધી હોવાનો ચંદુજીનો આરોપ હતો. આ બાબતે જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી, મામલતદાર અને નગરપાલિકામાં ચંદુજીએ અનેક રજૂઆત કરી હતી અને આત્મ વિલોપન કરવાની પણ ચીમકી આપી હતી. ચંદુજીના નજીકના લોકોએ કહ્યું કે આ મામલે કોઈ ઉકેલ ન આવતા ચંદુજીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોતાના પર કેરોસીન છાંટીને તે ભડભડ સળગતાં દોડવા લાગ્યો હતો જેથી નાસભાગ મચી હતી. જોકે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી સળગેલી હાલતમાં યુવકને પકડી પાડ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પાટણ કલેક્ટર કચેરી આગળ ત્રણ વર્ષ પહેલાં જમીન મુદ્દે દુદખા ગામના દલિત સમાજના ભાનુભાઈ વણકરે પણ ન્યાય માટે આત્મવિલોપન કરી લેતા તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા હતા.