પાલનપુર: ગઢ પોલીસ હદમાં આવેલા સરીપડા ગામમાં રહેતા અને બેંગલુરુ આર્મીમાં ફરજ બજાવતા આકાશભાઇ દિનેશભાઇ કોઇટિયાના ૧૬મી ફેબ્રુઆરીએ લગ્ન હતા. વરરાજાના માતા-પિતા હયાત નથી, પરંતુ સગાસબંધીઓ મોટી સંખ્યામાં જાનમાં હાજરી આપવા આવ્યા હતા. જાન નજીકના સૂઢા ગામે જવાની હતી. જોકે સરીપડા ગામમાં દલિત ઠાકોર આર્મીમેનને ઘોડે ચડેલા જોઈને તેમને રોકીને બબાલ કરાઈ હતી. વરરાજા આકાશભાઇએ ગામમાં દલિત વરઘોડાના પ્રતિબંધને અવગણતાં ઘોડેથી ઉતરવાની ના પાડતાં ગામના ૫૦થી વધુ લોકોનાં ટોળાએ પોલીસની હાજરીમાં પથ્થરમારો કર્યો હતો.
બીજી તરફ મામલો ગરમ થતો જોઈને ગઢ પોલીસે ડીસા, પાલનપુરની પોલીસ પણ બોલાવી હતી અને વરરાજા તેમજ જાનૈયાઓને પ્રોટકશન પૂરું પાડીને સૂઢા ગામ સુધી જાન લઈ જવાઈ હતી. એ પછી રંગેચંગે લગ્ન સંપન્ન થયાં હતાં.