દાંતીવાડાઃ બનાસકાંઠા જિલ્લામાં નહીંવત વરસાદ પડ્યો હોવા છતાં રાજસ્થાનના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદી બે કાઠે વહેતી થઈ છે. જેનું પાણી સીધું જિલ્લાની જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમમાં ઠલવાતા ડેમમાં ૧૪૯૮ ક્યુસેક પાણીની આવક થઈ હતી. આથી ડેમની સપાટીમાં સાડા દસ ફૂટ પાણીનો વધારો થયો છે. વરસાદ અગાઉ ડેમની સપાટી ૫૩૪.૨૦ ફૂટ હતી. જે વધીને ૫૪૫ ફૂટે પહોંચી હતી. ચોમાસાના પ્રારંભે ડેમમાં પાણીની આવક જોતા આ વર્ષે ડેમ ભરાવાની ઉજળી શક્યતા છે. તેથી જિલ્લાવાસીઓમાં ખુશી વ્યાપી છે. ઉલ્લેખનીય છે કે ડેમની ક્ષમતા ૬૦૪ ફૂટ છે અને આ ડેમમાંથી પાટણ અને સિદ્ધપુરના ખેડૂતોને પણ પીયત માટે પાણી આપવામાં આવે છે.
સાબરકાંઠા પંથકમાં સાર્વત્રિક મેઘમહેરઃ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં અત્યાર સુધીનો અંદાજે ૯ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લિ જિલ્લા સહિત મોડાસા, બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ, હિંમતનગર, ઈડર, વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના, વડાલી, પ્રાંતિજ, તલોદ, શામળાજી, સુનોખ, ચિઠોડા, દઢવાવ, ઝાંઝરી વિસ્તારમાં ધીમી ધારે પણ વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતાં વાવણીલાયક વરસાદથી ખેડૂતો, પશુપાલકો, લોકો અને વેપારીઓમાં ખુશી વ્યાપી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પરબડા વિસ્તારમાં હાથમતી નદીના ડીપ (બ્રીજ)માં બાઈક ઉપર પસાર થઈ રહેલ પુરૂષ અને મહિલાને પાણીના પ્રવાહમાં ખેંચાતા બચાવાયા હોવાનું જાણવા મળેલ છે.