ડીસાઃ પરિવાર સાથે ડીસામાં રહેતી ૧૨ વર્ષીય મૂકબધિર કિશોરી ૧૬મી ઓક્ટોબરે સાંજે સાત વાગ્યાની આસપાસ ઘરેથી ગુમ થતાં તેના પરિજનોએ દીકરીની શોધ આદરી હતી. મોડી સાંજ સુધી કિશોરીના કોઈ સમાચાર ન મળતાં કુટુંબીજનોએ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ કરતાં મોડી રાત્રે હાઈવે પર આવેલા એક પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા ચેક કરતાં એક યુવક કિશોરીને બાઈક પર બેસાડીને લઈ જતો દેખાયો હતો. ૧૭મી ઓક્ટોબરે વહેલી સવારે દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામ પાસે અવાવરું પહાડી વિસ્તારમાંથી કિશોરીની શંકાસ્પદ હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. કિશોરીનું ધડ અને માથું ૨૦ ફૂટના અંતરેથી મળ્યાં હતાં. પોલીસને આ ગુમ મૂકબધિર કિશોરી જ હોવાનું જણાતા પરિજનોને જાણ કરીને ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની ટીમ બોલાવી ઝીણવટ ભરી તપાસ કરાઈ હતી. ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા, મહિલા આયોગના સભ્ય રાજુલાબહેન દેસાઈ સહિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે હાથ ધરેલી તપાસમાં શંકમંદ તરીકે કિશોરીના પિતરાઈ ભાઈ નીતિન માળીને ઝડપી ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. રિપોર્ટના આધારે નીતિનને આરોપી દર્શાવાયો છે.
દીકરીના કુટુંબની સાથેઃ મારા દુષ્કર્મી પુત્રને ફાંસી આપો
નીતિન માળીના પિતા કિશોરભાઇ માળીએ ૧૮મીએ જણાવ્યું કે, નીતિને જો આવું કૃત્ય કર્યું હોય તો તેને કડકમાં કડક સજા થાય તેવી મારી માગ છે. નીતિનને સજા આપાવવા હું સ્વખર્ચે વકીલ રોકીશ અને દીકરીના પરિવાર સાથે રહીને તેમને ન્યાય અપાવવા પ્રયત્ન કરીશ.