પાલનપુર: લાખણીના સરકારી ગોલિયા ગામના દિવ્યાંગ ખેડૂત પદ્મશ્રી ગેનાજી પટેલને તાજેતરમાં બ્રિટનના વિઝા ન મળતાં તેઓ લંડન જઈ શક્યા નહોતા. લંડનમાં એક સંસ્થા દ્વારા તેમના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બ્રિટનમાં ભારત ગૌરવ એવોર્ડ માટે ગેનાજી પટેલની પસંદગી કરાઈ હતી. પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજમાં નામમાં ફેરફાર હોવાથી વિઝા રદ થયા હતા. જોકે બ્રિટનની સંસ્થા ગેનાજીના વતનમાં જ તેમને એવોર્ડ આપી સન્માન કરશે. વર્ષ ૨૦૧૨થી આ એવોર્ડ અપાય છે. ગેનાજીને આ બીજું આંતરરાષ્ટ્રીય સન્માન મળવાનું હતું. આ પહેલા ઇઝરાયેલમાં તેમનું સન્માન થઇ ચૂક્યું છે.
વર્ષ ૨૦૧૭માં પદ્મશ્રી સન્માન
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭માં પદ્મશ્રી એવોર્ડ આપીને ગેનાજી પટેલને નવાજાયા હતા. ગેનાજી પટેલ સરકારી ગોલિયા ગામના દિવ્યાંગ ખેડૂત છે. બંને પગે દિવ્યાંગ હોવા છતાં તેઓ ટ્રેક્ટર પણ ચલાવે છે. ગેનાજી પટેલે વર્ષ ૨૦૦૩થી પરંપરાગત ખેતી છોડીને દાડમની ખેતી કરવાનો પ્રારંભ કર્યો હતો. દુકાળગ્રસ્ત વિસ્તારમાં દાડમની ખેતી કરીને ધાર્યું ઉત્પાદન મેળવ્યું હતું. પોતાના વિસ્તારને દાડમના ઉત્પાદનમાં અગ્રેસર બનાવ્યો હતો અને અનેક ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી હતી.
અબ તક ૨૫
ગેનાજીને અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના ૨૫થી વધુ એવોર્ડ મળી ચુક્યા છે. તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે તેમને પદ્મશ્રી સન્માન અપાયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૭માં ડીસા ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા ત્યારે તેમણે પોતાની જાહેરસભાના ભાષણમાં પણ ગેનાજીની દાડમની ખેતીને યાદ કરી હતી.