અમદાવાદઃ મહેસાણા ખાતે દૂધસાગર ડેરીના પરિવાર દ્વારા રવિવારે પશુપાલકો અને સહાયકોની બોલાવેલી એક બેઠકમાં ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો પ્રચાર કરવા નિર્ણય લેવાયો હતો. ડેરીની તમામ દૂધ મંડળીઓએ છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકાર દ્વારા દૂધસાગર ડેરી અને દૂધ ઉત્પાદકોને હળહળતો અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય કરતાં ભાજપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ભાજપ સરકાર અને અમૂલ ફેડરેશન દ્વારા ઘણા સમયથી દૂધસાગર ડેરી અને તેના દૂધ ઉત્પાદકો સાથે સતત થતા અન્યાયના મુદ્દે રજૂઆતો કરવા છતાં અને પોતે ભાજપના હોદ્દેદાર હોવા છતાં કોઈ પરિણામ ન આવતાં થોડાક સમય અગાઉ ડેરીના વાઈસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરીએ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો.
રવિવારે દૂધસાગર ડેરીના સમગ્ર પરિવારે ચેરમેન આશાબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને શહેરના એક હોલમાં ૧રપથી વધુ દૂધ મંડળીઓના પ્રમુખ, મંત્રી, સહાયકો તેમજ પશુપાલકોની એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ચર્ચાના અંતે મહેસાણા અને પાટણ બંને લોકસભા બેઠક પર કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય જાહેર કરાયો હતો.