મહેસાણાઃ દૂધસાગર ડેરીના રાજસ્થાનથી ટેન્કરમાં ભરી આવતા ઘીમાં પામ ઓઈલની ભેળસેળના વિવાદ સંદર્ભે વિસનગરના ડીવાયએસપીની અધ્યક્ષતામાં રચાયેલી સીટની ટીમે મહેસાણા દૂધસાગર ડેરીના વાઈસ ચેરમેન તેમજ તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર નિશિથ બક્ષીની અટકાયત કરી હોવાના પાંચમી ઓગસ્ટે અહેવાલ હતા. આ બંને કોરોના ટેસ્ટ માટે મોકલી આપી વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે. જેના પગલે આ વિવાદ વધુ વકર્યો છે.
તાજેતરમાં રાજસ્થાનના પ્લાન્ટમાંથી ટેન્કરમાં આવેલા ઘીમાં ભેળસેળ ખૂલી હતી. આ વિવાદ સંદર્ભે દૂધસાગર ડેરીએ સ્પષ્ટતાઓ પણ કરી હતી. જોકે આ સમગ્ર મામલે વિસનગર ડીવાયએસપી વ્યાસના નેજામાં સીટની રચના થઈ હતી. ઘીમાં ભેળસેળ અંગે મહેસાણા બી ડિવિઝન પોલીસમથકે દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન આશાબહેન ઠાકોર, વાઈસચેરમેન મોઘજીભાઈ ચૌધરી, તત્કાલીન એમડી નિશિથ બક્ષી, લેબોરેટરી હેડ અલ્પેશ જૈન તેમજ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સરકાર પક્ષે શૈલેષ જોષીએ ફરિયાદ નોંધાવી હતી. તે સંદર્ભે પોલીસે ડેરીના વાઈસ ચેરમેન મોઘજી ચૌધરી તેમજ ફરજ મોકૂફી પર મુકાયેલા એમડી નિશિથ બક્ષીની અટકાયત કરાઈ હતી.