મહેસાણાઃ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન દ્વારા સાગર દાણના રૂ. ૨૨.૫૦ કરોડના કૌભાંડમાં પાંચ વર્ષ બાદ ૨૨ વ્યક્તિઓ સામે ૧૮મી ઓક્ટોબરે મહેસાણાની એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તહોમતનામું મંજૂર કરવામાં આવતા હવે કેસની તજવીજ હાથ ધરાશે. જેથી વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી શકશે.
મહેસાણા દૂધસાગર ડેરીનો સાગરદાણ કૌભાંડનો મામલો છેલ્લા પાંચ વર્ષથી ચકચારમાં રહ્યો છે. જે કેસમાં આજે મહેસાણા એડિશનલ ચિફ જ્યુડિશિયલ કોર્ટમાં વિપુલ ચૌધરી સહિત અન્ય આરોપીઓ હાજર રહ્યા હતા. જેમાં સરકારી વકીલની દલીલોના આધારે આજે તહોમતનામું મંજૂર કરવામાં આવ્યું છે.
આ તહોમતનામામાં વિપુલ ચૌધરીએ એનડીડીબીના ચેરમેન બનવાની રાજકીય લાલસા પૂરી કરવા તેમજ તત્કાલીન કૃષિ પ્રધાનના આશીર્વાદ મેળવવાના બદઈરાદે સાગર દાણ મોકલ્યાનો ઉલ્લેખ છે. કોઈપણ જાતનો કરાર ન થયેલ હોવા છતાં મહારાષ્ટ્ર રાજ્યમાં દુષ્કાળ પડેલ હોવાનું કારણ રજુ કરી મહાનંદા ડેરી તેમજ જગુદણ કેટલ ફીડ ફેક્ટરીથી ૧૮૬૪૦૫૯૦૩ રૂપિયાના કેટલ ફીડના જુદા જુદા બિલો ઉધારી મોકલ્યું હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે.