મહેસાણા: દૂધસાગર ડેરીમાં ૧૫ વર્ષ બાદ સ્પષ્ટ બહુમત સાથે સત્તા પરિવર્તન થયું છે. હરીફોએ જણાવ્યું કે, વિપુલ ચૌધરીના સતત એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. ચૂંટણીમાં ૧૫ બેઠકો પૈકી વિજાપુરની બે બેઠકો બાદ કરતાં બાકીની તમામ ૧૩ બેઠક પર અશોક ચૌધરી જૂથની પરિવર્તન પેનલનો વિજય થયો છે.
ખેરાલુ પરથી જેલમાંથી ચૂંટણી લડતા પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ૧૩ મતની સરસાઇથી હાર્યા છે જ્યારે કલોલ-ગોઝારિયા બેઠક પર બે ઉમેદવારો વચ્ચે ટાઇ થતાં ચિઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરાયાં હતાં. આ બેઠક પર પણ પરિવર્તન પેનલના જબુબહેન ઠાકોરનો વિજય થયો હતો.
ચૂંટણીમાં અશોકભાઇ ચૂંટણી પરિવર્તન પેનલના કડી, કલોલ, ખેરાલુ, ચાણસ્મા, પાટણ, મહેસાણા, માણસા, વિસનગર તેમજ સમી-હારિજ, અને સિદ્વપુર ઊંઝા બેઠક અને વિભાગ - ૨માં ખેરાલુ-વડનગર-સતલાસણા, માણસા અને વિસનગર બેઠકના ઉમેદવારો વિજેતા થાય છે. પરિણામો બાદ હવે મળનાર નિયામક મંડળનો બેઠકમાં ડેરી ચેરમેન પદે મહેસાણાના અશોક ચૌધરી સત્તાનું સુકાન સંભાળશે તેવા સંકેતો છે. દૂધસાગર ડેરીમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી, પૂર્વ વાઇસ ચેરમેન મોગજીભાઇ ચૌધરી જેલમાં છે. પૂર્વ ચેરમેન આશાબહેન ઠાકોર પણ હાજર નથી. આવામાં સુકાની વગર વિપુલભાઇના નામે સમર્થકો ચૂંટણી લડતા હતા.