મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં આવેલો એકમાત્ર ધરોઇ ડેમ ઉત્તર ગુજરાતની જીવાદોરી અને વિકાસના દ્વાર સમાન છે. હવે ધરોઈ ડેમ ઉપર વોટર એરોડ્રમ બનવા જઈ રહ્યું છે. ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં સી-પ્લેન માટે મંજૂરી અપાઈ છે. પ્રથમ તબક્કામાં સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સરોવર ડેમ (સ્ટેચ્યુ ઓફ યુનિટી) સુધી સી-પ્લેન શરૂ થશે. ત્યારબાદ અંબાજી માટે અમદાવાદથી ધરોઇ ડેમ સી-પ્લેન ઓપરેટ થશે. સમગ્ર દેશમાં સી-પ્લેન હવાઈ સેવા શરૂ કરવા ૧૬ રૂટ પસંદ કરાયા છે, તેમાંથી ગુજરાતમાં બે રૂટ નક્કી થયાં છે. ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગવાન બનાવવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો હતો.
ડેમમાં ૯૮ ટકા પાણી
ધરોઈ ડેમ હાલમાં ૯૮ ટકા ભરાયો છે. ઉત્તર ગુજરાતના ૪ જિલ્લાને પ્રત્યક્ષ રીતે પોષતો હોવાથી ધરોઇ ડેમને આ દરજ્જો મળ્યો છે. આ ડેમમાંથી હાલ મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ૧૨ શહેર અને ૭૦૯ ગામ-પરાની લગભગ ૧૭ લાખની વસ્તીને પીવાનું પાણી પૂરું પડાય છે. ઉપરાંત જો ડેમ ૭૫ ટકાથી વધુ ભરાય તો ડેમમાંથી નીકળતી જમણા અને ડાબા કાંઠાની કુલ ૭૩.૫૨ કિ.મી. લાંબી બે કેનાલો દ્વારા મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાના ૭ તાલુકાના ૧૭૭ ગામની ૯૭ હજાર હેકટર જમીનને સિંચાઇ માટે પાણી મળે છે. સતત પાણીની આવક રહે તો સાબરમતી, રૂપેણ, સરસ્વતી, પુષ્પાવતી અને બાળગંગા સહિત ૫ નદીઓને જીવંત રાખવાની સાથે ખેરાલુના ચીમનબાઈ સરોવરમાં પણ પાણી ઠાલવી શકાય છે.