સ્ટેન્ડ અપ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ધાનેરા શહેરમાં ૧૬મી જૂનથી પ્રદુષણ મુક્ત ઇ-રિક્ષાનો પ્રારંભ કરાયો હતો. આ ઈ-રિક્ષાનો ફાયદો શું છે તે અંગેનું લોકોને માર્ગદર્શન પણ અપાયું હતું. પવન સેલ્સ દ્વારા ધાનેરામાં ઈ-રિક્ષાનો શુભારંભ કરાયો હતો. આ ઈ-રિક્ષા પ્રદુષણ રહિત છે અને એકવાર ચાર્જ કર્યા બાદ ૧૦૦ કિ.મી. સુધી રસ્તા પર ચાલી શકે છે. વિશ્વમાં ફેલાયેલી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે લડવા અને ભારતને પ્રદુષણ મુક્ત બનાવવા માટે ભારત સરકાર દ્વારા સ્ટેન્ડ અપ ઇન્ડિયા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
• માણસામાં ૧૦૦ પથારીની જનરલ હોસ્પિટલનું લોકાર્પણઃ આરોગ્ય અને જિલ્લા પ્રભારી પ્રધાન નીતિનભાઈ પટેલે માણસામાં રૂ. ૧૮ કરોડના ખર્ચે ૧૦૦ પથારીની જનરલ હોસ્પિટલનું લોકાર્પણ ૧૬મી જૂને કર્યું હતું. માણસા નગરપાલિકા પ્રમુખ નીતાબહેન પટેલ અને સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ગણેશભાઈ ચૌધરી આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા.
• વાવના ‘વીર સ્વાતંત્ર સેનાની’ ગુણવંતરાય મહેતાની અલવિદાઃ ભારતને આઝાદી આપવામાં ભૂમિકા ભજવનાર બનાસકાંઠાના વાવ તાલુકાના સ્વાતંત્રસેનાની ગુણવંતરાય કાળીદાસ મહેતાનું ૧૭મી જૂને ટૂંકી માંદગી બાદ પુત્રને ત્યાં ડીસામાં નિધન થયું હતું. તેમનાં પાર્થિવ દેહને ૧૭મી જૂને સિદ્ધપુરમાં અગ્નિસંસ્કાર અપાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર જેનુ દિવાન અને જિલ્લા પોલીસવડા નીરજ બડગુજર સહિત રાજકીય અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
• પત્ની, બે પુત્રીના હત્યારા પિતાને ૩૦ વર્ષની કેદઃ મોટીદાઉ ગામે પત્નીનું તીક્ષ્ણ હથિયારથી માથું કાપીનેે હત્યા બાદ બે માસૂમ બાળકીઓને જીવતી કેનાલમાં નાંખી મોત નીપજાવનાર મુસ્લિમ યુવાનને ૧૮મી જૂને મહેસાણા સેસન્સ કોર્ટે ૩૦ વર્ષની કેદ અને રૂ. પંચાવન હજાર દંડ ફટકાર્યો હતો. જ્યારે બહુચર્ચિત હત્યામાં સાથે રહેનાર તેના ભાઇને આજીવન કેદની સજા અને રૂ. ૩૦ હજારનો દંડ ફટકાર્યો હતો. મહેસાણા તાલુકાના મોટીદાઉ નજીક કેનાલ પાસેના નેળિયા નજીકથી ૧૨ ઓગષ્ટ, ૨૦૧૩ની રાત્રે ત્રણેય લાશ મળી હતી.
• ડીસામાં રાજ્ય પ્રધાનના હસ્તે વિકાસ કામોનું લોકાર્પણઃ કેન્દ્રીય રાજ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરીના હસ્તે ડીસામાં ‘વાઇફાઈ ઝોન’ સહિત અનેક વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ૧૬મી જૂને કરાયું હતું. આ સાથે શહેર રાજ્યમાં બીજું, ‘વાઇફાઇ ઝોન’ શહેર બન્યું છે. ડીસા નગરપાલિકા સંચાલિત એસસીડબલ્યુ હાઈસ્કૂલ અને ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરીના હસ્તે ડીસા નગરપાલિકાના રૂ. ૬૪૯.૫૨ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું તેમજ ડિજિટલ ઇન્ડિયાની ટીમ હેઠળ પ્રધાને ડીસા પાલિકા દ્વારા શહેરને વાઇફાઈ ઝોન બનાવવાના કાર્યનું પણ લોકાર્પણ કર્યું હતું.