અમદાવાદઃ ઊંંઝા ઊમિયા માતાજી સંસ્થાના પ્રમુખપદે વર્ષોથી કાર્યરત ધારાસભ્ય નારાયણ પટેલને હોદ્દા પરથી દૂર કરવા માટે ચાલી રહેલી લડાઈ ૨૧મી ઓગસ્ટે હિંસક થઈ હતી. પાટીદારોએ જબરો ઊહાપોહ કરતાં બેઠક બંધ બારણે યોજવાને બદલે લોકોની હાજરીમાં યોજવા નિર્ણય લેવાયો હતો. ધારાસભ્ય જાહેરમાં આવ્યા કે તરત ટોળું તેમની પર ધસી ગયું હતું. જોકે, તેમના ટેકેદારો તેમને કોર્ડન કરી મંદિરના હોલમાં સુરક્ષિત લઈ ગયા હતા. ટોળાએ જય સરદાર, જય પાટીદારના સૂત્રોચ્ચાર કર્યા હતા. મંદિર પરિસરમાં બે જૂથો વચ્ચે મારામારી થતા નાસભાગ મચી હતી. મંદિર પરિસરમાં પોલીસને નો એન્ટ્રી હોવાથી પોલીસકર્મીઓ માત્ર તમાશો જોઈ રહ્યા હતા.
પાટીદાર આંદોલન બાદ સ્થિતિ બદલાતા ધારાસભ્યને હોદ્દા પરથી દૂર કરવા આ તખતો ઘડાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.