ભુજ: વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રિય દલિત અધિકાર મંચના સંયોજક જીજ્ઞેશ મેવાણી સોમવારે ભુજમાં કલેક્ટરને આવેદનપત્ર આપવા આવવાના હોવાથી જિલ્લા પ્રશાસનનો જીવ તાળવે ચોંટી ગયો હતો. પ્રશાસનના કપાળે કેટલો પરસેવો વળી ગયો હશે, તે બાબત એ વાતથી સ્પષ્ટ થઇ ગઇ હતી કે, મહાનુભાવોની સુરક્ષા અને ટ્રાફીક નિયમનના નામે જાહેરનામું બહાર પાડીને સંખ્યાબંધ રસ્તાઓ પર વાહનોને પ્રવેશબંધી ફરમાવતા શહેર બાનમાં લેવાયું હોય એવું ચિત્ર ઉપસ્યું હતું.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.આર. પટેલે ૨૦મી જાન્યુઆરીએ બહાર પાડેલાં જાહેરનામામાં જણાવ્યું હતું કે, ‘ભુજમાં વંચિત સમાજના વર્ષો જૂના પ્રશ્નો માટે કલેક્ટર કચેરીએ આવેદન આપવા જીજ્ઞેશ મેવાણીએ સવારે ૧૧થી બપોરે ૩ વાગ્યા દરમિયાન રેલીનું આયોજન કર્યું છે. તેમજ જીજ્ઞેશભાઈ ‘વાય’ કેટેગરીની સુરક્ષા ધરાવતા હોવાથી કાયદો-વ્યવસ્થાની જાળવણી અને ટ્રાફીક નિયમન જરૂરી છે.
આથી, સવારે ૯થી બપોરના ૪ વાગ્યા સુધી નીચેના રસ્તાઓ પર વાહનોના પ્રવેશને બંધ કરવા હુકમો કરું છું.’