મહેસાણા: નવરાત્રિમાં ગવાતા ગરબામાં ખેલૈયાઓએ અને ભાવિકોએ સાંભળ્યું હશે કે મા બહુચરના ધામ શંખલપુરમાં ગરબા થાય છે. ગરબાના શબ્દો પણ સાંભળ્યા હશે કે, શંખલપુર સોહામણું રે લોલ, ક્યાં છે તમારો વાસ મારી બહુચરા... અને શંખલપુરની શેરીઓ રે મને જોયાના કોડ જો.... આ શબ્દોના કારણે શંખલપુરમાં ગરબા જોવાની સૌની ઇચ્છા હોય, પણ મા બહુચરના ૫૨૦૦ વર્ષ જૂના પ્રાચીન ધામમાં નવરાત્રિની ઉજવણી થતી નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં નવરાત્રિ બહુચર માતાજીના મંદિરે નહીં, પણ ગામના મુખ્યચોકમાં થાય છે. જ્યાં આજની તારીખે પણ તાળીઓના તાલે ગરબા ગવાય છે. રાત્રે રામજી મંદિર ચોકમાં સ્થાપિત ગરબીમાં ધૂપ-દીવા બાદ વડીલો ગણપતિ દાદાને આહવાન કરતો હે દુંદાળાદેવ વિઘ્નહરણ લંબોદર નામ તમારું રે... ગરબો ગાય છે. ગણપતિ દાદાનો ગરબો પૂરો થતાં મા બહુચરને ગરબે રમવા નિમંત્રણ પાઠવાય છે, તે પછી મહિલાઓ ગરબાની રમઝટ જમાવે છે.