વડગામઃ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નગાણા ગામના નિરક્ષર નવલબહેન ચૌધરીએ વર્ષ ૨૦૨૦માં રૂ. ૧.૧૦ કરોડનું દૂધ ડેકીમાં ભરાવી રેકોર્ડ સર્જ્યો છે. ૬૨ વર્ષીય નવલબહેન દૂધના વેચાણથી મહિને રૂ. ૩.૫૦ લાખ નફો મેળવે છે. નવલબહેન કહે છે કે, વર્ષ ૨૦૨૧માં તેઓ હજુ પણ વધુ આર્થિક ઉપાર્જન માટે કટિબદ્ધ છે.
૮૦ ભેંસ - ૪૫ ગાયો
નવલબહેન દલસંગભાઇ ચૌધરીએ વર્ષ ૨૦૨૦માં રૂ. ૧ કરોડ ૧૦ લાખ ૯૩ હજારનું દૂધ ડેરીમાં ભરાવ્યું હતું. આ અંગે નવલબહેન ચૌધરીએ જણાવ્યું કે, મારા ચાર દીકરાઓ એમ.એ.બી.એડ.નો અભ્યાસ કરી નોકરી રહ્યા છે જ્યારે હું ૮૦ ભેંસ અને ૪૫ ગાયોને રાખી રોજનું સવાર-સાંજનું ૧૦૦૦ લીટર દૂધ ડેરીમાં ભરાવું છું. ગયા વર્ષે મેં રૂ. ૮૭.૯૫ લાખનું દૂધ ભરાવી બનાસકાંઠામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે આ વર્ષે પણ મેં પ્રથમ નંબર મેળવ્યો છે.
પાંચ એવોર્ડ
નવલબહેન દલસંગભાઇ ચૌધરીએ ૨ બનાસ લક્ષ્મી એવોર્ડ તેમજ ૩ એવોર્ડ પશુપાલન ખાતા, ગુજરાત રાજ્ય-ગાંધીનગર દ્વારા પ્રાપ્ત કર્યાં છે. નવલબહેન ચૌધરી કહે છે કે, હું બાળકોને ભણાવવાની હિમાયતી છું, પણ સાથે સાથે આંતરિક કોઠાસૂઝને પણ પ્રોત્સાહન આપવામાં માનું છું. આજે દૂધ ઉદ્યોગ માટે મેં ૧૧ માણસોને કામ આપ્યું છે. તેમની પાસેથી ગાય-ભેંસોની સારસંભાળ રખાવાઇ રહી છે અને તેમને આર્થિક વળતર આપું છું. જેથી ૧૧ પરિવારોને રોજીરોટી મળી રહી છે.