પાટણ: રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીના ધર્મપત્ની અને સમાજસેવી નીતા અંબાણીએ નવમીએ પાટણ જિલ્લાના અબિયાણા ગામની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ત્રણથી ચાર ગામો દત્તક લેવા સાથે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રૂ. ૧૦ કરોડની મદદની જાહેરાત કરી હતી.
નીતા પુત્ર અનંત સાથે બનાસકાંઠાના થરામાં હેલિકોપ્ટરથી આવીને રોડ માર્ગે સાંતલપુર તાલુકાના અબિયાણા ગામે પહોંચ્યાં હતાં. ગડસઇ ગામના રહેવાસીઓ સાથે પણ તેમણે વાતચીત કરી હતી. ગડસઈ બસ સ્ટેન્ડ પાસે કિટ વિતરણ કેમ્પ, ગામમાં પશુ ચિકિત્સા કેમ્પ, મેડિકલ કેમ્પમાં તેઓ હાજર હતાં. આ પછી લોકોને મળતાં તેમણે કહ્યું હતું કે, આપત્તિના સમયમાં રિલાયન્સ ફાઉન્ડેશન તમારી સાથે છે.
અબિયાણા અને ગડસઈની મહિલાઓ સાથે નીતા અંબાણી વાત કરતાં હતાં ત્યારે એક મહિલાએ કહ્યું કે, બહેન મકાન બનાવો તો ધાબાવાળા બનાવજો, જેથી પૂર આવે તો ધાબા પર આસરો લઇ શકાય. ત્યારે નીતા અંબાણીએ કહ્યું કે, ભગવાન આ દિવસો ફરી ન લાવે, પણ તમે ધાબાવાળાં ઘર બનાવજો. આ પછી બહેનો પાસે ભજન ગવડાવી તેઓએ ભજન સાંભળી તાલ મિલાવ્યો હતો. પરત ફરતાં તેમણે અને તેમનાં પુત્રએ ‘જયશ્રી કૃષ્ણ’ કહીને સૌને હાથ જોડ્યા હતા.