નવી દિલ્હીઃ ભારતીય બેન્કીંગ ઉદ્યોગને હચમચાવી નાખે તેવું મહાકૌભાંડ આચરવાના આરોપનો સામનો કરી રહેલો નીરવ મોદી ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની છે. બેલ્જિયમમાં ઉછરેલા અને મુંબઇમાં અસ્થાયી રહેતા નીરવ મોદી હાલ ૧.૭૩ બિલિયન ડોલરના આસામી છે અને તેનું નામ ફોર્બસ ઇન્ડિયાની ૨૦૧૭ની ભારતના સૌથી શ્રીમંતોની યાદીમાં ૮૪મા સ્થાને હતું.
નીરવનું બાળપણ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વીત્યું છે. તે સાત વર્ષના હતા ત્યારે પિતા પીયૂષભાઇએ પરિવારજનો સાથે મુંબઇ જઇને સ્થાયી થવાનો નિર્ણય કર્યો. સમયાંતરે નીરવ મોદી હીરા ઉદ્યોગની કામગીરી શીખવા માટે એન્ટવર્પ ગયા અને ત્યાં જ સ્થાયી થયા. પાલનપુરના ઢાળવાસ વિસ્તારમાં આજે પણ પીયૂષભાઇ મોદીનું મકાન છે.
આ જ મકાનની સામે એક ભાડાના મકાનમાં નીરવના દાદા મફતલાલ અને દાદી પ્રભાબહેન રહેતા હતા. દાદીમા પ્રભાબેન પાપડ બનાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મોદી પરિવારે તાજેતરમાં પાલનપુરમાં માતબર રકમનું દાન આપ્યું હોવાની પણ ચર્ચા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે વર્ષે એકાદ-બે વખત પરિવારજનો સાથે અહીં આવે છે. દાદા મફતલાલે શાળા માટે જમીન દાનમાં આપી હતી, આજે પણ ત્યાં બાળકો અભ્યાસ કરે છે.
અબજો રૂપિયાના આર્થિક કૌભાંડમાં નીરવ મોદીની સંડોવણીના અહેવાલોથી સ્થાનિક લોકો સ્તબ્ધ છે. તેમનું કહેવું છે કે તપાસ પૂરી થયે સત્ય બહાર આવશે. તેમને આજે પણ ભરોસો છે કે નીરવ મોદી તેની સામેના તમામ આરોપોમાં નિર્દોષ સાબિત થશે.
નીરવ મોદીઃ સેલિબ્રિટીની પ્રિય બ્રાન્ડ
૪૮ વર્ષના નીરવ મોદીની જ્વેલરી બ્રાન્ડને બોલિવૂડમાં પ્રિયંકા ચોપરા અને લીઝા હેડને જેવી અભિનેત્રીઓએ પ્રમોટ કરી છે તો હોલિવૂડમાં કેટ વિન્સલેટ અને ડાકોટા જ્હોન્સન જેવા કલાકારો નીરવ મોદીની બ્રાન્ડની જ્વેલરી પહેરે છે. તેના બ્રાન્ડનેમ સાથે વેચાતી જ્વેલરીની કિંમત દસ લાખ રૂપિયાથી માંડીને પાંચ કરોડ રૂપિયા જેટલી ઊંચી હોય છે, આથી સ્વાભાવિક છે કે તેના ખરીદનારા પણ ધનાઢયોથી માંડીને ટોચની સેલિબ્રિટી જ હોય છે. નીરવ મોદી આંતરરાષ્ટ્રીય લિલામગૃહો દ્વારા ઝવેરાતોની હરાજીમાં પણ અવારનવાર ચમકે છે. ૨૦૧૦માં ક્રિસ્ટીના ઓક્શનમાં નીરવ મોદીનો ગોલકોન્ડા નેકલેસ રૂ. ૧૬.૨૯ કરોડમાં વેચાયો હતો.
પાર્ટીમાં ઈટલીના શેફનું સેવન-કોર્સ મેન્યૂ
નીરવ મોદીની ચર્ચા ચારે બાજુ છે. તપાસ એજન્સીઓ હવે તેની વૈભવી જીવનશૈલી અને તેની પાર્ટીઓની વિગતો મેળવી રહી છે. દિલ્હી અને મુંબઈમાં ટોચની હસ્તીઓની પાર્ટીમાં નીરવ મોદી અચૂક જોવા મળતો હતો. ફેશન અને ડિઝાઈનિંગના ટોચના મેગેઝિનના ગ્લોસી પેજ પર નિરવ મોદી બોલિવૂડ-હોલિવૂડની સુંદરીઓ સાથે અવારનવાર ચમકતો હતો. આ સુંદરીઓ તેની જ્વેલરી માટેની બ્રાન્ડ એમ્બેસેડર હતી. નીરવ મોદીએ નવેમ્બર-૨૦૧૬માં મુંબઈમાં ફોર સીઝન્સ ખાતે પાર્ટી આપી હતી. તેમાં અભિનેત્રી સોનમ કપૂર પણ હાજર રહી હતી. તમામ લોકોને ઈટલીના થ્રી-સ્ટાર મિશેલીન શેફ માસિમો બોત્તુરાએ સ્પેશિયલ વ્યંજનો જમાડ્યા હતા. માસિમોનું પોતાનું રેસ્ટોરાં ઈટલીના મોદિના શહેરમાં છે, જે વિશ્વના ટોપ-૫૦ રેસ્ટોરાંમાં સ્થાન ધરાવે છે. નીરવ મોદીના મહેમાનો માટે માસિમોએ સેવન-કોર્સ એક્સક્લુઝિવ મીલ તૈયાર કર્યું હતું. માસિમોના એક્સક્લુઝિવ રેસ્ટોરાં ઓસ્ટેરિયા ફ્રાન્સેસ્કાનામાં ભોજન કરવા માટે અનેક મહિનાનું વેઈટિંગ હોય છે. મોડેલ અને અભિનેત્રી લિસા હેડન ગયા વર્ષે પુત્રીને જન્મ આપ્યા બાદ ફરી મોડેલિંગની દુનિયામાં પાછી ફરી તો નીરવ મોદીએ પેરીસની લા ગ્રાન્ડ પેલેસ ખાતે ભવ્ય પાર્ટી આપી હતી.