દિયોદરઃ અલકાબહેન ઠાકોરના લગ્ન ૧૬ વર્ષ અગાઉ દિયોદરના વડાણા ગામના હિતેન્દ્રકુમાર સાથે થયા હતા. હિતેન્દ્ર ભોડાળિયા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ઘરખર્ચ બાબતે પતિ-પત્ની વચ્ચે ચાર વર્ષથી ઘરકંકાસ ચાલતો હતો. ત્રીજી જૂને રાતે હિતેન્દ્ર અલકાબહેનને મકાનની લોનના કાગળ પર સહી કરવા જવાનું કહી બાઇક પર બેસાડી લુદરા ગામે નર્મદા કેનાલના રેલવે પુલ પર લઈ ગયો હતો. ત્યાં પહેલેથી તેના બે મિત્ર હાજર હતા. ત્યાં ત્રણેય જણે અલકાબહેન પાસે કાગળોમાં સહી કરાવી હતી અને અલકાબહેન કંઈ સમજે તે પહેલાં નર્મદા કેનાલમાં ધક્કો મારી દીધો હતો. એ પછી ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા, પરંતુ અલકાબહેન તરીને બહાર આવી ગયાં હતાં અને પોલીસ ફરિયાદ કરી હતી.
દિયોદરના વડાણાના શિક્ષકે નર્મદા કેનાલમાં બે મિત્રોની મદદથી ધકેલી દીધેલી પત્નીને તરતા આવડતું હોવાથી તે બહાર નીકળી ગઈ અને ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં શિક્ષક પતિની દશા બેઠી છે.